<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સુરતના પુણાના 'NR સ્પા'માં દેહવ્યાપારનો પર્દાફાશ : AHTUની રેઇડમાં 6 મહિલાઓ મુક્ત : સંચાલકો-ગ્રાહકો સહિત 5 ઝડપાયા

કડોદરા રોડના ટાઇમ સ્ક્વેર બિલ્ડીંગમાં સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું : ₹2.33 લાખનો મુદ્દામાલ જપ્ત, સ્પા માલિક સહિત 4 વોન્ટેડ, ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ

સુરત તા.૧૩ :  સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડોદરા રોડ પર આવેલા 'NR સ્પા'માં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના નેટવર્કનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે AHTUની ટીમે લેન્ડમાર્કની સામે ટાઇમ સ્ક્વેર બિલ્ડીંગના પહેલા માળે કાર્યરત 'NR સ્પા' પર આકસ્મિક દરોડો પાડ્યો હતો, જેમાં સ્પાની આડમાં આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસે ગેરકાયદેસર દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

 

પોલીસે રેઇડ દરમિયાન કુલ 6 ભારતીય મહિલાઓને દેહવ્યાપારની બંદીમાંથી મુક્ત કરાવી હતી અને ઘટનાસ્થળેથી બે સંચાલકો તથા ત્રણ ગ્રાહકો મળી કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંચાલક ગણેશભાઇ મુકેશભાઇ સોનાર (ઉ.વ. 29), સંચાલક કોમલ નરેન્દ્ર સોનાર (ઉ.વ. 30), ગ્રાહક દેવાંગભાઇ ભીખાભાઇ ત્રિવેદી (ઉ.વ. 40), રાકેશ જીવરાજભાઈ ગોધાણી (ઉ.વ. 26) અને બ્રિજેશકુમાર કાંતિભાઈ કાછડીયા (ઉ.વ. 26) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડ ₹2,100, 4 મોબાઇલ ફોન કિંમત ₹36,500 અને 3 મોટર સાયકલ કિંમત ₹1,95,000 મળી કુલ ₹2,33,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

તમામ આરોપીઓ વિરૂધ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 144(2) અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પુણા પોલીસને સોંપવામાં આવી છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સો — સ્પાના માલિક કલ્પેશભાઈ દવે, નરેન્દ્ર ગોરખનાથ સોનાર, મહિલાઓ સપ્લાય કરનાર રાજુભાઈ પંડિત અને ગ્રાહકો મોકલનાર પ્રવિણ ઉર્ફે મેક્ષભાઈને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ હાથ ધરી છે.

(3:43 PM IST)