News of Monday, 13th April 2026
અરવલ્લી જિલ્લા પંચાયતની લિંભોઈ બેઠક પર રાજકીય ભૂકંપ : ટિકિટ કપાતા ભાજપના 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
મોડાસા તાલુકાની ગઢા બેઠકના વિવાદે ભાજપને મોટો ઝટકો — 5 ગ્રામ પંચાયતના સરપંચ, પૂર્વ સરપંચ, 2 પૂર્વ ફૌજી સહિત આગેવાનોએ પંજો પકડ્યો, કોંગ્રેસમાં જોડાવાથી સ્થાનિક રાજકારણ ગરમાયું

અરવલ્લી તા.૧૩ : અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 પહેલા મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. જિલ્લા પંચાયતની લિંભોઈ બેઠક હેઠળ આવતી મોડાસા તાલુકા પંચાયતની ગઢા બેઠક પર ભાજપના ઉમેદવારની ટિકિટ કપાતા ભારે નારાજગી ફેલાઈ છે. ટિકિટના વિવાદને પગલે ભાજપના 5 ગ્રામ પંચાયતોના સરપંચ, પૂર્વ સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો અને 150થી વધુ કાર્યકરો સહિત 2 પૂર્વ ફૌજીઓએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ચિરાગ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલની હાજરીમાં બોડીગામ અને ચિચાણો ખાતે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. તેમણે જણાવ્યું કે બોડી પંચાયતના પૂર્વ સરપંચ અમૃતસિંહ ઝાલા તેમજ મોડાસાની ઢાંખરોલ, બાયલ, વાંટડા (કાબોલા) અને ગઢા ગ્રામ પંચાયતના આગેવાનો ઉમેદવારનું નામ જાહેર થયા બાદ ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયથી નારાજ હતા. ગ્રામ્ય પંથકમાં આ મુદ્દે વિરોધ શરૂ થયો હતો.
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાનારાઓમાં ગઢાના સરપંચ યોગેશભાઈ પટેલ, બાયલના સરપંચ કૈલાશબેન લક્ષ્મણસિંહ પરમાર, ઢાંખરોલના સરપંચ હરેશભાઈ વાળંદ, વાંટડા (કાબોલા)ના સરપંચ જીતેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સદસ્ય બાબુસિંહ મકવાણા, બોડી ગામના પૂર્વ સરપંચ અમૃતસિંહ ઝાલા, અગ્રણી વિજયસિંહ ઝાલા અને બે પૂર્વ આર્મી જવાન પણ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થયા છે. ટિકિટ વિવાદને કારણે ભાજપમાં સર્જાયેલા આ ભંગાણને સ્થાનિક રાજકારણમાં મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
