તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 13th April 2026
વડોદરામાં એસઆરપી કોન્સ્ટેબલ દીપક બારિયાનું તાલીમ દરમિયાન અવસાન : પીટી પરેડ બાદ છાતીમાં દુખાવો થતાં મોત
એસઆરપી ગ્રુપ-1ના જવાન દીપક દિનેશ બારિયા ગ્રુપ-9 ખાતે 4 અઠવાડિયાથી તાલીમ લઈ રહ્યા હતા : સવારે 10 વાગ્યે તબિયત લથડી, SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત જાહેર : અગાઉ કોઈ ગંભીર બીમારી નહોતી

વડોદરા તા.૧૩ : વડોદરામાં SRP ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહેલા SRP કોન્સ્ટેબલ દીપક દિનેશ બારિયાનું આજે સવારે અચાનક અવસાન થયું છે. મળતી માહિતી મુજબ દીપક બારિયાની SRP ગ્રુપ-1માં નિમણૂક થઈ હતી અને તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી વડોદરાના ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા.
આજે સવારે લગભગ 10:00 વાગ્યે પીટી પરેડ પૂર્ણ થયા બાદ દીપક બારિયાની તબિયત અચાનક લથડી હતી. કપડાં બદલતી વખતે તેમણે છાતીમાં તીવ્ર દુખાવો થવાની ફરિયાદ કરી હતી. તુરંત જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને ઇન્જેક્શન અને IV ડ્રિપ શરૂ કર્યું હતું. સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે SSG હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. જોકે, SSG હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે દીપક બારિયાને મૃત જાહેર કર્યા હતા.
SRP ગ્રુપ-9ના ઈનચાર્જ અનુસાર 15 માર્ચથી નવા ભરતી થયેલા જવાનોની તાલીમ શરૂ કરવામાં આવી હતી અને નિયમ મુજબની PT પરેડ બાદ આ ઘટના બની હતી. દીપક બારિયાને અગાઉ કોઈ ગંભીર બીમારી હોવા અંગેની કોઈ માહિતી સામે આવી નથી. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જવાનના અકાળે અવસાનથી SRP જવાનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
