News of Monday, 13th April 2026
સુરત એસઓજી પોલીસે નકલી લાયસન્સ કૌભાંડનો કર્યો પર્દાફાશ : 7 હજારમાં નકલી લર્નિંગ લાયસન્સ બનાવતી ટોળકીના 4 આરોપી ઝડપાયા
કાપોદ્રામાં WPS એપથી એડિટિંગ કરી ડુપ્લિકેટ લાયસન્સ પધરાવતા હતા — 6 મહિનામાં 30 નકલી લાયસન્સ બનાવ્યા, 50થી વધુ લોકો સાથે છેતરપિંડી, 13 નકલી લાયસન્સ અને 4 મોબાઈલ જપ્ત

સુરત તા.૧૩ : સુરતના કાપોદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને છેતરતી એક મોટી ગેંગનો સુરત SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે નકલી લર્નિંગ લાયસન્સ બનાવતી ટોળકીના ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી નિર્દોષ લોકો પાસેથી હજારો રૂપિયા પડાવીને માત્ર એક મોબાઈલ એપની મદદથી ડુપ્લિકેટ લાયસન્સ પધરાવી દેતી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગના સભ્યો વોટ્સએપ ગ્રુપમાંથી લોકોના નંબર મેળવી પોતાને RTO એજન્ટ તરીકે ઓળખાવતા હતા. તેઓ ગ્રાહકોને ₹7,000થી ₹10,000માં લાયસન્સ અપાવવાનું વચન આપતા હતા. આરોપીઓ ઓનલાઈન ફોર્મ તો ભરતા પણ ફી કે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરતા નહોતા. તેના બદલે WPS એપમાં એડિટિંગ કરીને નકલી લર્નિંગ લાયસન્સ તૈયાર કરી ગ્રાહકોને આપી દેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનામાં તેઓએ અંદાજે 30 ડુપ્લિકેટ લાયસન્સ બનાવ્યા છે અને 50થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે.
SOG પોલીસે આ ગુનામાં પ્રજેશ ઉર્ફે રઘુ માણીયા, પ્રફુલ ઉર્ફે વિપુલ પટેલ, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા અને રવિ જેઠાભાઈ ગાંગડિયાની ધરપકડ કરી છે. આરોપી પ્રજેશ ઉર્ફે રઘુ માણીયા વિરુદ્ધ અગાઉ ચોરી અને પાસા (PASSA) હેઠળ ગુના નોંધાયેલા છે, જ્યારે પ્રફુલ ઉર્ફે વિપુલ પટેલ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન અને 13 નકલી લાયસન્સ જપ્ત કરવામાં આવ્યા છે.
સુરત પોલીસે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે કોઈપણ અજાણ્યા એજન્ટ કે સોશિયલ મીડિયા પર મળતી લિંક્સના આધારે લાયસન્સ બનાવડાવવું નહીં. હંમેશા સત્તાવાર RTO પ્રક્રિયા અને સરકારી વેબસાઈટનો જ ઉપયોગ કરવો જેથી આવી છેતરપિંડીનો ભોગ ન બનાય.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
