<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ભરૂચમાં ભાજપનો મોટો દાવ: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 24 મુસ્લિમ ચહેરાઓને આપી ટિકિટ : વોર્ડ-1 માં ડ્રાઈવર આસિફ સોલંકી ઉમેદવાર

'સૌનો સાથ, સૌનો વિકાસ'ની નીતિ સાથે ભાજપનો વ્યૂહાત્મક નિર્ણય : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી શુભેચ્છા : અશાંત ધારા મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર, "ગુજરાતની સુરક્ષા માટે કાયદો મજબૂત બનાવવો અનિવાર્ય"

ભરૂચ તા.૧૩ : ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લેતા કુલ 24 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપના આ પગલાને 'સૌનો સાથ, સૌનો વિકાસ'ની નીતિના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

 

આ ટિકિટ ફાળવણીમાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 1ની થઈ રહી છે. ભાજપે અહીં એક સામાન્ય પરિવારમાંથી આવતા અને વ્યવસાયે ડ્રાઈવર એવા આસિફ સોલંકીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. પાયાના કાર્યકરને તક મળતા પક્ષમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયને બિરદાવતા આસિફ સોલંકીને ખાસ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે હળવા અંદાજમાં જણાવ્યું હતું કે, "આસિફ અત્યાર સુધી ગાડી ચલાવતા હતા, હવે જીતીને વોર્ડનું ડ્રાઈવિંગ કરે તેવી શુભેચ્છા છે."

 

ભરૂચની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અશાંત ધારા (Disturbed Areas Act)ના અમલીકરણ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે અશાંત ધારો અત્યંત જરૂરી છે. સરકાર કાયદો મજબૂત બનાવે ત્યારે "કોંગ્રેસીઓના પેટમાં દુખે છે" તેવું કટાક્ષભર્યું નિવેદન પણ તેમણે આપ્યું હતું.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના વખાણ કરતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સરકાર અશાંત ધારાનો કડક અમલ કરવા માટે કટિબદ્ધ છે. ભૂતકાળમાં મિલકતોના હસ્તાંતરણમાં થતી ગેરરીતિઓને રોકવા માટે આ કાયદો ઢાલ સમાન છે અને આગામી દિવસોમાં આ કાયદાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ સરકાર વિચારી રહી છે. ભરૂચના મતદારો હવે વિકાસ અને સુરક્ષાના નામે કોને પસંદ કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.

(4:34 PM IST)