<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

અમદાવાદના ચાંદખેડામાં ઢોંસાકાંડમાં નવો વળાંક: બે બાળકીઓના શંકાસ્પદ મોત કેસમાં 13 દિવસ બાદ માતા ભાવનાની પૂછપરછ શરૂ

હોસ્પિટલમાંથી રજા મળતાં જ ચાંદખેડા પોલીસ સ્ટેશન લવાઈ માતા : ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની સંયુક્ત તપાસ છતાં મોતનું સાચું કારણ અકબંધ, FSL રિપોર્ટ આજે આવવાની શક્યતા

અમદાવાદ:ચાંદખેડા વિસ્તારમાં ખીરું લાવીને ઢોસા બનાવી ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે નવો વળાંક આવ્યો છે. બાળકીઓના મોતને 13 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી મોતનું સાચું કારણ સામે આવ્યું નથી. આ મામલે ચાલી રહેલી સઘન તપાસ વચ્ચે હવે પોલીસે માતા ભાવનાની પૂછપરછ શરૂ કરી છે.

 

મળતી માહિતી મુજબ, ભાવના આટલા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ ચાંદખેડા પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ આવી છે અને પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે ભાવનાની પૂછપરછમાં કોઈ મોટા ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પિતા વિમલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

 

હાલમાં ક્રાઈમ બ્રાન્ચ અને ચાંદખેડા પોલીસ બંને આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. વિવિધ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, છતાં હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ પુરાવા પોલીસના હાથે લાગ્યા નથી. આ સમગ્ર કેસમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. FSL રિપોર્ટ આજે 13 એપ્રિલે આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી આશા છે.

(5:18 PM IST)