<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સીઆઈડી ક્રાઈમની બરોડા, પાલનપુર અને ગોવામાં સાયબર સર્જીકલ સ્ટ્રાઈક : એસપી રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં ૭૭ કરોડના આંતરરાષ્ટ્રીય ફ્રોડનો પર્દાફાશ : ૧૯ આરોપીઓ ઝડપાયા

​રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ અને આઈજી બિપીન આહિરેના આદેશથી ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં ૩૭૫ ગુનાઓનો ભેદ ઉકેલાયો : લપટોપ, મોબાઈલ અને ૧૨૬ સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે

​રાજકોટ: વર્તમાન સમયમાં વધતા જતા સાયબર અપરાધો સામે ગુજરાત સીઆઈડી ક્રાઈમે એક અત્યંત મોટી સફળતા મેળવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા અલગ-અલગ વ્યક્તિઓના નામે મ્યુલ એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયા સગેવગે કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના ૧૯ આરોપીઓને બરોડા, પાલનપુર અને ગોવા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય પોલીસ વડા અને ઇન્ચાર્જ સીઆઈડી વડા ડો. કે. એલ. એન. રાવ તથા પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેના માર્ગદર્શન હેઠળ એસપી રાજદીપસિંહ ઝાલા, સંજયકુમાર કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝનમાં પીઆઈ કે.બી. દેસાઈની ટીમે આ જ્વલંત સફળતા હાંસલ કરી છે.

​૭૭ કરોડથી વધુની ઠગાઈ અને ૩૭૫ ગુનાઓનો ઘટસ્ફોટ:
પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલ વિગતોના ટેકનિકલ એનાલિસિસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર દેશમાં ૧૯૩૦ પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ ૩૭૫ સાયબર ફ્રોડના ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગે ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ગેમિંગ ફ્રોડ અને પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ જેવી મોડસ ઓપરેન્ડી દ્વારા અંદાજે ૭૭,૭૨,૭૬,૪૮૧ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીઓના મોબાઈલ ચેક કરતા તેમાં વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ મારફતે દુબઈ તેમજ અન્ય દેશોના વ્યક્તિઓ સાથે ચેટ મળી આવી છે, જેમાં બેંક એકાઉન્ટની વિગતોની આપ-લે થતી હોવાનું ખુલ્યું છે.

​બરોડા અને પાલનપુરથી ઝડપાયેલા મુખ્ય સૂત્રધારો:
બરોડાથી મ્યુલ એકાઉન્ટ નેટવર્કનું સંચાલન કરનાર કિરણ કરશનભાઇ જોષી અને સિધ્ધરાજ ગણપતભાઈ શિરવાડિયા (રહે. થરાદ) ઝડપાયા છે. આ ઉપરાંત, ખોટી પેઢીઓ બનાવી બેંક ખાતા આપનાર મહેશ લાલજીભાઈ જોશી (કાંકરેજ), જીગર રાજુભાઈ સોલંકી (પાલનપુર) અને પ્રકાશ રામજીભાઈ જોશી (ઓગડ)ની ધરપકડ કરાઈ છે. પાલનપુર ખાતેથી મીત રતીલાલ શ્રીમાળી અને મેહુલ બાબુભાઇ સોલંકી પણ ઝડપાયા છે.

​ગોવામાંથી ઓપરેટ થતું હતું આખું નેટવર્ક:
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આખું નેટવર્ક ગોવા ખાતેથી ઓપરેટ થાય છે, જેના પગલે એક ટીમે ગોવામાં રેઈડ કરી મુખ્ય સંચાલક જીતુભાઇ ભુરાભાઇ ઠક્કર (પાટણ) સહિત સાહિલ પ્રજાપતિ, જયમીન પ્રજાપતિ, વિજય નાયી, હિતેશ ઠાકોર, ધ્રુવ ચૌધરી, અનીલકુમાર ચૌધરી, આષીશ કુમાર ચૌધરી અને નરેશકુમાર ખારશનને ઝડપી લીધા હતા.

​વિશાળ મુદ્દામાલ કબજે:
પોલીસે આરોપીઓ પાસેથી ૧૫ લેપટોપ, ૮૭ મોબાઈલ ફોન, ૧૨૬ સીમકાર્ડ, ૧૧૫ ડેબિટ કાર્ડ, ૮૦ પાસબુક, ૨૮ ચેકબુક, ૦૭ QR કોડ અને રાઉટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

​કામગીરી કરનાર ટીમ:
આ ઓપરેશનમાં પીઆઈ કે.બી. દેસાઈ, અનમોલ સલીયા, વાય.એસ. ગામીત, એ.એ. ચૌધરી, એસ.એમ. સોની તેમજ પીએસઆઈ એસ.એસ. ડામોર, એસ.એ. તુર્ક અને ટેકનિકલ એક્સપર્ટ આશુતોષ પટેલ સહિતના જવાનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પોલીસ વડાએ નાગરિકોને કમિશનની લાલચમાં આવી પોતાના બેંક ખાતાની વિગતો કોઈને ન આપવા અપીલ કરી છે.

(5:53 PM IST)