News of Monday, 13th April 2026
પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વેઈબ્રિજમાં ચીપ લગાવી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના હેમંત રાવલ અને સંકેત રાવલ સહિત ૭ શખ્સોને દબોચ્યા: રજનીશ કશ્યપ અને ચિરાગ ગોસ્વામી સહિત ૬ આરોપીઓ વોન્ટેડ
ડીસીપી અજિત રાજિયાણ અને પીઆઈ એન.આર બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં માઈક્રોચીપ અને રીમોટ કંટ્રોલ વડે ભંગારના વજનમાં છેડછાડ કરી લાખોની ઠગાઈ આચરતી ટોળકીનો વટવા GIDC ખાતેથી પર્દાફાશ: ક્રેટા કાર અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી ૧૯.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ:અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે મલ્ટી સ્ટેટમાં વેઈબ્રિજ (ધર્મકાંટા) પર વજનમાં છેડછાડ કરી છેતરપિંડી આચરતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક તથા જોઈન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર બ્રહ્મભટ્ટ તથા સ્ટાફની ટીમે વટવા GIDC ફેઝ-૩ વિસ્તારમાં દરોડો પાડીને કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૬ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વેઈબ્રિજમાં ચીપ અને રીમોટનો ખેલ
આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓ વિવિધ રાજ્યોમાં કંપનીઓના સ્ક્રેપ યાર્ડ, બીડીંગ સાઈટ કે ઓક્શનમાં ભંગાર ખરીદવાનો સોદો કરતા હતા. ત્યારબાદ પોતાના એક્સપર્ટ સાગરીતોની મદદથી તે સાઈટ પર આવેલા ઈલેક્ટ્રોનિક વેઈબ્રિજમાં ગુપ્ત રીતે એક ખાસ પ્રકારની માઈક્રોચીપ બેસાડી દેતા હતા. આ ચીપ ઈલેક્ટ્રોનિક વજન કાંટાના ડિસ્પ્લે સિસ્ટમ સાથે જોડાઈ જતી હતી. જ્યારે ભંગાર ભરેલી ગાડી વજન કરવા માટે કાંટા પર ચઢતી, ત્યારે આરોપીઓ રીમોટ કંટ્રોલનો ઉપયોગ કરી વજનમાં ઘટાડો કરી દેતા હતા. આ રીતે ગાડીમાં રહેલા માલનું વાસ્તવિક વજન ઓછું દર્શાવી ખોટી પહોંચ જનરેટ કરવામાં આવતી હતી, જેના કારણે કંપની કે સાઈટ માલિકોને લાખો રૂપિયાનું નુકસાન જતું અને આ ગેંગ ઓછી કિંમતે વધુ માલ પડાવી લેતી હતી.
૭ આરોપીઓની ધરપકડ, ૬ વોન્ટેડ
ક્રાઈમ બ્રાન્ચે વટવા વિસ્તારમાં દરોડો પાડી નીચે મુજબના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે:
૧. હેમંતકુમાર વિજયભાઈ રાવલ (રહે. ખોખરા, મૂળ વિજાપુર)
૨. સંકેત હિંમતભાઈ રાવલ (રહે. વટવા, મૂળ ભિલોડા)
૩. વિજયભાઈ ગોવિંદભાઈ ઠાકોર (રહે. નાના ચિલોડા, મૂળ થરાદ)
૪. મનીષભાઈ શામળભાઈ રબારી (રહે. ખત્રજ ચોકડી, કલોલ)
૫. વિનોદભાઈ નગરભાઈ પટણી (રહે. સરસપુર, મૂળ પાટણ)
૬. મુકેશભાઈ સુરેશભાઈ પટણી (રહે. અસારવા)
૭. સુનિલ અશ્વિનભાઈ પટણી (રહે. બાપુનગર, મૂળ પાટણ)
જ્યારે રજનીશ કશ્યપ, ચિરાગ ગોસ્વામી ઉર્ફે ચિરાગ બાવા, સુનિલ બોડી, વિનોદ ચંપો, અશોક ગુગો અને સંજય પટણીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
૧૯.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાતી ૧૫ લાખની કિંમતની હ્યુન્ડાઈ ક્રેટા કાર, ૮૦ હજારની કિંમતની ૪ માઈક્રોચીપ, ૬૫ હજારની કિંમતના ૧૩ રીમોટ કંટ્રોલ અને ૨.૬૫ લાખની કિંમતના ૧૨ નંગ મોબાઈલ ફોન મળી કુલ ૧૯,૧૦,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આ આખી ટોળકીને પકડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
