<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ગુજરાતમાં આભમાંથી વરસી રહી છે અગનજ્વાળાઓ : અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત

રાજકોટ 42.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : બપોરે બાર થી ચાર દરમિયાન બહાર ન નીકળવા અને વધુ પાણી પીવા માટે લોકો જોગ ખાસ એડવાઈઝરી જાહેર

રાજકોટ : ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. આજે 13 એપ્રિલ 2026ના રોજ સમગ્ર રાજ્યમાં ગરમીનો ભારે કહેર વર્તાયો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જતા લોકો આકરી ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની વિગતો અનુસાર, હાલમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના પટ્ટામાં ગરમીનું જોર સૌથી વધુ જોવા મળી રહ્યું છે.

આજના ટોપ ગરમ શહેરોની સ્થિતિ:
સમગ્ર રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો રાજકોટ શહેર આજે સૌથી વધુ ધગધગતું રહ્યું હતું. રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન નીચે મુજબ નોંધાયું છે:

રાજકોટ 42.4 ડિગ્રી
અમરેલી 41.7 ડિગ્રી
વડોદરા 41.4 ડિગ્રી
અમદાવાદ 41.0 ડિગ્રી
ડીસા 40.2 ડિગ્રી
ભાવનગર 38.7 ડિગ્રી
ડાંગ 38.2 ડિગ્રી
પોરબંદર 38.2 ડિગ્રી

કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધ્યું:
રાજ્યના અન્ય વિસ્તારોની સ્થિતિ પણ ગરમીને કારણે કપરી બની છે. કચ્છના વિવિધ ભાગોમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહ્યું છે. બીજી તરફ, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનનો પારો અન્ય શહેરોની સરખામણીએ થોડો નીચો રહ્યો હોવા છતાં, હવામાં ભેજનું પ્રમાણ અત્યંત વધુ હોવાને કારણે સ્થાનિકોએ ભારે બફારા અને અકળામણનો સામનો કરવો પડ્યો હતો.

સાવચેતી રાખવા સૂચના:
વધતી જતી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધીના ગાળામાં જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું. આ ઉપરાંત, શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે વધુમાં વધુ પાણી પીવું અને સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી, ચશ્મા કે છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. (અહેવાલ : મહેશ પાટડીયા)

(10:19 PM IST)