<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ઉમરેઠ ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે સોગંદનામામાં મિલકતો છુપાવી હોવાનો આક્ષેપ: ફોર્મ રદ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ

ચિખોદરા ગામના 7 અલગ-અલગ સર્વે નંબરની જમીન અને અડાસ ગામે આવેલી બે સર્વે નંબરની મિલકતો પણ તેમના નામે હોવા છતાં તેને સોગંદનામામાં નહિ દર્શાવ્યાનો આરોપ

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર સામે તેમના ઉમેદવારી ફોર્મ સાથેના સોગંદનામામાં મિલકતોની વિગતો છુપાવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે સ્થાનિક મતદાર અને એડવોકેટે ચૂંટણી પંચ અને પોલીસમાં ફરિયાદ કરતા ભાજપ છાવણીમાં દોડધામ મચી ગઈ છે.

એડવોકેટ વિજય મકવાણાએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે, હર્ષદ પરમારે પોતાના એફિડેવિટ (ફોર્મ નં. 26)માં માત્ર બેડવા ગામની બે સર્વે નંબરવાળી મિલકતો દર્શાવી છે. પરંતુ વાસ્તવમાં ચિખોદરા ગામના 7 અલગ-અલગ સર્વે નંબરની જમીન અને અડાસ ગામે આવેલી બે સર્વે નંબરની મિલકતો પણ તેમના નામે હોવા છતાં તેને સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. આ મિલકતો છુપાવીને ઉમેદવારે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગયા 7મી તારીખે ફોર્મ ચકાસણી દરમિયાન લેખિત વાંધો રજૂ કરવા છતાં ચૂંટણી અધિકારીએ કોઈ કાર્યવાહી ન કરતા, વિજય મકવાણાએ હવે ઉમરેઠ પોલીસ મથકમાં અરજી આપી છે. તેમણે આર.પી. એક્ટ 125 અને બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે. આ ઉપરાંત, આ મામલે ચૂંટણી કમિશનરને પણ ફરિયાદ મોકલવામાં આવી છે અને આગામી દિવસોમાં હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવાની પણ તૈયારી દર્શાવી છે.

(12:51 AM IST)