<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ઈંધણ બચત માટે સુરત પોલીસ કમિશનરની અનોખી પહેલ : ઉર્જા કટોકટી વચ્ચે સરકારી વાહનોનો બિનજરૂરી ઉપયોગ રોકવા આદેશ

અનુપમસિંહ ગેહલોતે પોતે ગાડી બંધ કરાવી અધિકારીઓને આપ્યો સંકેત : સુરત મોડલને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGPએ આવકાર્યું : રાજ્યભરમાં અમલ થવાની શક્યતા

રાજકોટ: વર્તમાન સમયમાં ખાડી યુદ્ધને કારણે ઉભી થયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને પેટ્રોલ-ડીઝલની વધતી અછતને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે સરકારી વાહનોમાં ઈંધણનો બિનજરૂરી બગાડ અટકાવવા માટે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કડક નિર્દેશ આપ્યા છે.

કમિશનરે પોતે ઉદાહરણ પૂરું પાડ્યું:
આ પહેલની શરૂઆત ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેમના ડ્રાઇવરે નિયત સમય કરતા પહેલા સરકારી ગાડી શરૂ કરી હતી, ત્યારે કમિશનરે તુરંત જ ગાડી બંધ કરવાનો આદેશ આપીને જાહેરમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટના દ્વારા તેમણે શહેરના તમામ પોલીસ અધિકારીઓને ગુપ્ત ઈશારો કરીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જરૂરિયાત વગર સરકારી વાહનો શરૂ રાખવા નહીં.

ACના ઉપયોગ અને ઈંધણ ખપત પર અંકુશ:
હાલમાં પોલીસ વિભાગની મોટાભાગની સરકારી ગાડીઓ એસી (Air Condition) સુવિધા ધરાવે છે. ઉનાળાની આકરી ગરમીમાં ડ્રાઇવરો અધિકારી ગાડીમાં બેસે તે પહેલા જ લાંબા સમય સુધી એસી શરૂ રાખતા હોય છે, જેના કારણે ઈંધણનો મોટો વ્યય થાય છે. પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી અધિકારી વાહનમાં ન બેસે ત્યાં સુધી એસી કે ગાડી શરૂ કરવી નહીં. માત્ર જરૂરિયાત મુજબ જ વાહનો ફેરવવા અને ઈંધણ બચત પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે.

ગૃહમંત્રીએ પહેલને બિરદાવી, 'સુરત મોડલ' રાજ્યભરમાં લાગુ થઈ શકે:
સુરત પોલીસ કમિશનરની આ ઈંધણ બચત ઝુંબેશને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આવકારી છે. આ પહેલની સફળતા જોતા ગુજરાત પોલીસના ડીજીપી ડો. કે. એમ. રાવ દ્વારા આ 'સુરત મોડલ'ને ગૃહ મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં આ આદેશનું પાલન સમગ્ર ગુજરાતના સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે તો નવાઈ નહીં. સુરત પોલીસની આ કરકસરયુક્ત નીતિની અત્યારે શહેરીજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

(11:19 AM IST)