News of Tuesday, 14th April 2026
કોંગ્રેસની હાઈવોલ્ટેજ રણનીતિ : લોકસભાના 'કુંભાણી કાંડ' માંથી બોધપાઠ લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની કિલ્લાબંધી
ભાજપના સંભવિત 'ઓપરેશન લોટસ' ને રોકવા સુરત-રાજકોટના 60થી વધુ ઉમેદવારોને શહેર બહાર ગુપ્ત સેફ હાઉસમાં ખસેડાયા : 15 એપ્રિલ સુધી તમામ સંપર્ક વિહોણા

ગાંધીનગર:લોકસભા ચૂંટણી દરમિયાન સુરતમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને ભાજપ બિનહરીફ વિજેતા બન્યું, તે કડવા અનુભવમાંથી શીખીને કોંગ્રેસે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત માટે 'ચક્રવ્યૂહ' જેવી સુરક્ષા વ્યૂહરચના અપનાવી છે. 'મિશન અજ્ઞાત' હેઠળ કોંગ્રેસે સુરતના 40 અને રાજકોટના 25 જેટલા મુખ્ય ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાંથી સીધા ગુપ્ત સ્થળોએ ખસેડી દઈને રાજકીય માહોલ ગરમાવી દીધો છે.
સુરતના 11 ગુપ્ત ઠેકાણાઓ પર લોખંડી પહેરો:
સુરત કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ મિશનમાં 40 જેટલા મુરતિયાઓને શહેરની બહાર 11 અજ્ઞાત 'સેફ હાઉસ'માં રાખવામાં આવ્યા છે. આ સ્થળોની માહિતી માત્ર ગણ્યાગાંઠ્યા પ્રદેશ નેતાઓ પાસે જ છે. ઉમેદવારોના મોબાઈલ ફોન જમા કરી લેવાયા છે અને તેમને પરિવાર કે સગા-સંબંધીઓ સાથે પણ સંપર્ક ન કરવા આદેશ અપાયો છે. આ કિલ્લાબંધી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન પૂર્વે ઉમેદવારોના પક્ષપલટા કે ફોર્મ ખેંચાવવાની શક્યતાઓને શૂન્ય કરવાનો છે.
રાજકોટના 25 ઉમેદવારો પણ અજ્ઞાત વાસે:
રાજકોટમાં પણ આ જ મિશન હેઠળ 25 ઉમેદવારોને 15 એપ્રિલ (ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ) સુધી ગુપ્ત સ્થળે રવાના કરી દેવાયા છે. રાજકોટ કોંગ્રેસના સુકાની ડૉ. રાજદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ વાપરી ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાની આશંકાએ આ 'સ્ટ્રેટેજિક આઈસોલેશન' (વ્યૂહાત્મક એકાંત) અપનાવાયું છે. પક્ષ માને છે કે જો ઉમેદવારો સુરક્ષિત રહેશે તો જ ગ્રાઉન્ડ લેવલ પર પ્રચારની મહેનત સફળ થશે.
ફોર્મ રદ થવાનો ફફડાટ અને રાજકીય સાવચેતી:
વર્ષ 2024માં સુરત બેઠક પર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહીમાં વિસંગતતા નીકળતા કોંગ્રેસે મેદાન છોડવું પડ્યું હતું. તે ઘટનાના પુનરાવર્તનથી બચવા અને ભાજપના કોઈપણ રાજકીય ખેલને ઉંધો પાડવા કોંગ્રેસ હાઈકમાન્ડે આ વખતે આક્રમક બચાવ નીતિ અમલી બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ 'સેફ ગેમ' તેને ચૂંટણીમાં કેટલી સફળતા અપાવે છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
