News of Tuesday, 14th April 2026
સુરત જિલ્લાના માંગરોળમાં હોટલ પર દરોડામાં પોષડોડા સાથે SOGએ એકની ધરપકડ:
સુરત જિલ્લાની SOGએ 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, ટ્રકનો ડ્રાઈવર વોન્ટેડ

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રગ્સ નાબૂદ અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. માંગરોળ તાલુકાના ધામડોદ ગામની સીમમાં આવેલી એક હોટલ પર દરોડો પાડી પોલીસે નશીલા પદાર્થના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રગ્સ નાબૂદ અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. એલ.ડી. ઓડેદરાની સૂચના મુજબ વિવિધ ટીમો તપાસમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આસીફખાન અને એ.એસ.આઈ. કિરણસિંહને સચોટ બાતમી મળી હતી કે, ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલ નગીના (શ્રી જમ્ભેશ્વર) માં ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો પોલીસે ઘટનાસ્થળેથી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ ધામડોદ ખાતે રહેતા હડમાનરામ છોગારામ બિશ્નોઈ (ઉંમર 47) ની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:
પોષડોડાનો ભુકો: 2.338 કિલોગ્રામ (કિંમત ₹35,070)
મોબાઈલ ફોન: 1 નંગ (કિંમત ₹10,000)
રોકડ રકમ: ₹2,500
કુલ મુદ્દામાલ: ₹47,570
ટ્રક ચાલકોને વેચાણ કરાતું હતું
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી હડમાનરામ આ નશીલા પદાર્થનો જથ્થો કોઈ અજાણ્યા ટ્રક ડ્રાઈવર પાસેથી મેળવતો હતો. રાજસ્થાન અને હરિયાણા તરફથી આવતા ટ્રક ચાલકો જ્યારે આ હોટલ પર વિરામ લેતા, ત્યારે તેમને છૂટકમાં પોષડોડાનો ભુકો વેચવામાં આવતો હતો. હાલ પોલીસે આ જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
