News of Friday, 5th June 2026
GPSC દ્વારા આગામી રવિવારે ચાર મહત્વપૂર્ણ જાહેરાતો માટેની પરીક્ષાનું રાજ્યવ્યાપી આયોજન
રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા સેન્ટરો ફાળવાયા :પેપરની સુરક્ષા અને પરીક્ષાની ગુપ્તતા જાળવવા માટે આયોગ દ્વારા પૂરતા અને કડક પગલાં: દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સુવિધાઓ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારના રોજ ચાર મહત્વપૂર્ણ જાહેરાતો માટેની પરીક્ષાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અંતર્ગત અકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા (GAS) અને આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (ACF) જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે ઉમેદવારો કસોટી આપશે. રવિવારે સવારે 11:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાનારી આ મહત્વની પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો ભાગ લેવાના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
પરીક્ષાને સચોટ અને ગેરરીતિ રહિત સંપન્ન કરાવવા માટે રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. પેપરની સુરક્ષા અને પરીક્ષાની ગુપ્તતા જાળવવા માટે આયોગ દ્વારા પૂરતા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ગઈકાલે જ GPSCના અધ્યક્ષે તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ નોંધ લેવા સૂચના આપવામાં આવી હતી અને અધિકારીઓને પરીક્ષા પદ્ધતિની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP)થી વિગતવાર અવગત કરાવાયા હતા.
આ વર્ષે આયોગ દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવીને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને નિયમોમાં જરૂરી ફેરફાર પણ કરાયા છે. દિવ્યાંગ પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર લિફ્ટ, ભોંયતળિયે (ગ્રાઉન્ડ ફ્લોર) બેઠક વ્યવસ્થા, વ્હીલચેર તેમજ પરીક્ષામાં મદદ માટે 'દિવ્યાંગ મિત્ર' (રાઈટર) જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તંત્ર દ્વારા લાખો ઉમેદવારોના ભવિષ્યને ધ્યાને રાખીને લોખંડી અને સુવ્યવસ્થિત આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
