News of Friday, 5th June 2026
રાજ્યમાં ડ્રાઈવર અને કંડક્ટરની બમ્પર ભરતી જાહેર: કુલ 8,917 જેટલી જગ્યાઓ પર સીધી ભરતી કરાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 4,318 કંડક્ટર અને 4,599 ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી થશે : ઈચ્છુક ઉમેદવારો આગામી 5 જુલાઈ સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના ફોર્મ ભરી શકશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા રાજ્યના બેરોજગાર યુવાનો માટે આ એક ઉત્તમ તક સામે આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ડ્રાઈવર અને કંડક્ટરની બંને મળીને કુલ 8,917 જેટલી અધધ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.
નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ મેગા ભરતીમાં કંડક્ટરની કુલ 4,318 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જ્યારે બીજી તરફ, એસટી બસના ડ્રાઈવર માટે કુલ 4,599 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા અને જરૂરી માપદંડો પૂર્ણ કરતા ઉમેદવારો આ બંને કેડર માટે ઓનલાઈન અરજી કરી શકશે.
આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આવતીકાલ એટલે કે 6 જૂનથી સત્તાવાર રીતે શરૂ થઈ જશે. ઈચ્છુક ઉમેદવારો આગામી 5 જુલાઈ સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના ફોર્મ ભરી શકશે. આશરે એક મહિના સુધી ચાલનારી આ અરજી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ભાગ લે તેવી શક્યતા છે. ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને ફી ની વિગતવાર માહિતી GSRTCની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાશે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
