<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

કામરેજના વાવ ગામે બ્રાન્ડેડ જંતુનાશક દવાના ગેરકાયદે રિ-પેકિંગનું કૌભાંડ ઝડપાયું

--- કૃષિ વિભાગના દરોડામાં લાઇસન્સ વગર ચાલતું પેકિંગ યુનિટ ઝડપાયું, પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં આવેલી સુર્યદર્શન સાયલન્ટ સિટીમાં કૃષિ વિભાગે દરોડા પાડી બ્રાન્ડેડ જંતુનાશક દવાના ગેરકાયદે રિ-પેકિંગ અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લાઇસન્સ વગર ચાલતા શંકાસ્પદ પેકિંગ યુનિટમાંથી જંતુનાશક દવાઓને ફરીથી પેક કરી બજારમાં વેચવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકા ખેતી અધિકારી રવિરાજ ટીડાભાઈ બલદાણિયા અને તેમની ટીમને વાવ ગામના સુર્યદર્શન સાયલન્ટ સિટીના મકાન નં. C-147 ખાતે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે સ્થળ પર તપાસ હાથ ધરતાં ત્યાં અનધિકૃત પેકિંગ યુનિટ કાર્યરત હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન સ્થળ પર હાજર મન કિશોરભાઈ પટેલે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ વંદા અને જીવાત નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતો પાવડર પેકિંગનું કામ કરતા હતા. વધુ વિગતો તેમના પિતા કિશોરભાઈ પટેલ જાણતા હોવાનું જણાવી તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન કિશોરભાઈ પોપટભાઈ પટેલે સ્વીકાર્યું હતું કે તેઓ "એસીફેટ" નામની જંતુનાશક દવા લાઇસન્સ ધરાવતી કંપની પાસેથી બિલ સાથે ખરીદતા હતા. ત્યારબાદ કંપનીના મૂળ પેકિંગને તોડી લાઇસન્સ વગર પોતાની રીતે નાની પ્લાસ્ટિક બોટલ અને પાઉચમાં રિ-પેકિંગ કરી બજારમાં વેચાણ કરતા હતા. આ પેકિંગ પર જરૂરી ચેતવણી, સાવચેતીના સૂચનો તથા કાયદેસરની મંજૂરી સંબંધિત વિગતો પણ દર્શાવવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે.
કૃષિ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બ્રાન્ડેડ જંતુનાશક દવાને મૂળ પેકિંગમાંથી કાઢી ગેરકાયદે રીતે નાના પેકેટોમાં ભરી ખેડૂતો સુધી પહોંચાડવાનું નેટવર્ક કાર્યરત હતું. આવા પેકિંગથી ઉત્પાદનની ગુણવત્તા, સલામતી અને ખેડૂતોના સ્વાસ્થ્યને જોખમ ઊભું થઈ શકે છે.
આ મામલે કૃષિ વિભાગની ફરિયાદના આધારે બે આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપીઓ: કિશોરભાઈ પોપટભાઈ પટેલ (રાદડિયા) – મુખ્ય સૂત્રધાર, રહે. સુર્યદર્શન સાયલન્ટ સિટી, વાવ
મન કિશોરભાઈ પટેલ (રાદડિયા) – મદદગાર તરીકે સંડોવણી, રહે. સુર્યદર્શન સાયલન્ટ સિટી, વાવ
કૃષિ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલની તપાસ સાથે ગેરકાયદે વેચાણનું નેટવર્ક કેટલું વ્યાપક હતું અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ગેરકાયદે જંતુનાશક દવાના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.

(11:05 AM IST)