<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

જળ, જંગલ અને જમીન બચાવવા આદિવાસી સંગઠનો એક મંચ પર

વિશ્વ પર્યાવરણ દિને ગુજરાતમાં 1 કરોડ વૃક્ષો ઉછેરવાનો આદિવાસી સમાજનો સંકલ્પ

સુરત : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે એક મહત્વાકાંક્ષી અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ડૉ. પ્રદીપ ગરાસિયાની આગેવાની હેઠળ આયોજિત આ અભિયાનમાં ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણના બગડતા સંતુલન અને જળ, જંગલ તથા જમીનના સતત થઈ રહેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સંસ્થાએ જણાવ્યું છે કે વધતા વૈશ્વિક તાપમાનના કારણે ઋતુચક્રમાં અસંતુલન સર્જાઈ રહ્યું છે, જ્યારે દરિયાઈ જળસ્તર વધવાથી અનેક વિસ્તારો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. પર્યાવરણમાં થતાં પરિવર્તનોની સીધી અસર કૃષિ ઉત્પાદન, માનવ સ્વાસ્થ્ય અને જીવનશૈલી પર જોવા મળી રહી હોવાનું પણ જણાવાયું હતું.
આદિવાસી સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે બેફામ ઔદ્યોગિકીકરણ, કુદરતી સંસાધનોના અતિશય ઉપયોગ, મોટા વિકાસ પ્રોજેક્ટોના કારણે થતા વિસ્થાપન અને આધુનિક ભૌતિકવાદી જીવનશૈલીના કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે. સાથે જ ફોરેસ્ટ કન્ઝર્વેશન રૂલ્સ 2022 અને ફોરેસ્ટ સંરક્ષણ બિલ 2023ના અમલીકરણ અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
પર્યાવરણ બચાવવા રજૂ કરાયેલા મુખ્ય સૂચનો
ટકાઉ ઔદ્યોગિક વિકાસ: પર્યાવરણ અને સ્થાનિક સમુદાયોને ઓછું નુકસાન થાય તેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લઘુ અને કૂટિર ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવાની માંગ કરવામાં આવી.
કુદરતી સંસાધનોનું સંરક્ષણ: રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગને નિયંત્રિત કરી પ્રાકૃતિક અને જૈવિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અપીલ કરવામાં આવી. સાથે જ વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળના રિચાર્જ માટે તળાવો, કૂવાઓ અને ઝરણાઓના સંરક્ષણ પર ભાર મૂકાયો.
કાયદાકીય સુરક્ષા: જંગલ વિસ્તારોના સંરક્ષણ, બોડા ડુંગરોના પુનર્વિકાસ તથા આદિવાસી હકોની સુરક્ષા માટે પેસા એક્ટ અને ફોરેસ્ટ રાઇટ્સ એક્ટનો અસરકારક અમલ કરવાની માંગ ઉઠાવવામાં આવી.
ગુજરાતમાં 1 કરોડ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ: પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત, લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્લોબલ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ સાથે મળીને વિશાળ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરશે.
આ અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ દ્વારા 1 કરોડ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જેમાં બહેડા અને ભીલામા જેવા લુપ્તપ્રાય વૃક્ષો ઉપરાંત આંબા, જાંબુ જેવા ફળાઉ વૃક્ષો તેમજ વડ, પીપળા અને લીમડા જેવા પર્યાવરણ માટે ઉપયોગી વૃક્ષોના વાવેતર અને સંવર્ધન પર ખાસ ભાર મુકવામાં આવશે.
વૃક્ષોનું વાવેતર ઘરઆંગણે, ખેતરોની શેઢા-પાળે, શાળા-કોલેજો, જાહેર સ્થળો અને માર્ગોની બાજુએ કરવામાં આવશે. આ સાથે દેશભરમાં પર્યાવરણનું સંતુલન જાળવવા માટે 200 કરોડથી વધુ વૃક્ષો ઉછેરવાની જરૂરિયાત હોવાનું પણ સંગઠનોએ જણાવ્યું છે.
વિશ્વ પર્યાવરણ દિનના અવસરે જાહેર કરાયેલો આ સંકલ્પ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ જળ, જંગલ અને જમીનના સંરક્ષણ માટે સામૂહિક જનજાગૃતિનું એક વ્યાપક અભિયાન બની રહેશે, એવો વિશ્વાસ સંગઠનના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.

(11:07 AM IST)