તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
વલસાડ રેલવે ઇલેક્ટ્રિક શેડમાં કોપર-પિત્તળ ચોરીનો ભેદ ઉકેલાયો
ડુપ્લિકેટ ચાવી બનાવી રજાના દિવસે સ્ટોરરૂમમાંથી માલસામાનની ચોરી: બે રેલવે કર્મચારી સહિત ત્રણ ઝડપાયા

વલસાડ રેલવે ઇલેક્ટ્રિક શેડના એનએસ સેક્શનમાંથી કોપર અને પિત્તળની ચોરીના ગુનાનો રેલવે સુરક્ષા દળ (RPF)એ સફળ ભેદ ઉકેલી બે રેલવે કર્મચારીઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, 30 માર્ચ 2026ના રોજ વલસાડ રેલવે ઇલેક્ટ્રિક શેડમાંથી કોપર અને પિત્તળની ચોરી થયાની ફરિયાદના આધારે BL CR No.03/2026 હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને RPF, ડિટેક્શન ટીમ તથા DFCCILના સ્ટાફ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન CCTV ફૂટેજ અને કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ની ઊંડાણપૂર્વક ચકાસણી કરતાં શંકાના આધારે વલસાડના ધનભુરા રોડ વિસ્તારમાં રહેતા રેલવે કર્મચારી મોઈન અશરફભાઈ બિલિમોરિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે રેલવેમાં વ્હીકલ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વસીમ મોહમ્મદ યાકૂબ મન્સૂરી (રહે. બેચર રોડ, વલસાડ) સાથે મળીને ચોરી આચર્યાની કબૂલાત કરી હતી.
બંને આરોપીઓએ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં તેમણે સ્ટોરરૂમની ડુપ્લિકેટ ચાવી તૈયાર કરાવી હતી. ત્યારબાદ રવિવાર અને અન્ય રજાના દિવસોમાં સ્ટોરરૂમ ખોલી અંદર રહેલો કોપર અને પિત્તળનો જથ્થો તબક્કાવાર બહાર કાઢી વાહન મારફતે વેચી નાખ્યો હતો.
તપાસમાં સામે આવ્યું કે ચોરી કરાયેલો માલ વલસાડના ગુંદલાવ ચોકડી નજીક આવેલી શ્યામ ટ્રેડર્સ નામની ભંગારની દુકાનમાં વેચવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે દુકાનના માલિક શ્યામસુંદર રમેશચંદ્ર ગુપ્તાની ધરપકડ કરી હતી. તેની દુકાનમાંથી 134.20 કિલો કોપર અને 50 કિલો પિત્તળ સહિત કુલ રૂ.57,073 કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન શ્યામસુંદરે આરોપીઓ પાસેથી અનેક વખત અંદાજે 550 કિલો જેટલો કોપર અને પિત્તળનો માલ ખરીદ્યાની કબૂલાત પણ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં રેલવે કર્મચારી વસીમ મન્સૂરી, મોઈન બિલિમોરિયા અને રીસીવર તરીકે શ્યામસુંદર ગુપ્તાની ધરપકડ કરીને RPFએ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. જોકે તપાસ દરમિયાન હજુ 302.40 કિલો કોપર અને 68.20 કિલો પિત્તળ સહિત રૂ.1.15 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ મેળવવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
