તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
ગાંધીનગરના રાંધેજાની સીમમાંથી મળેલા યુવાનના મૃતદેહનો ભેદ:મૃતકની પત્નીને પામવા માટે મિત્રે જ મિત્રને પતાવી દીધો
આરોપી લાલાએ મૃતકની પત્નીને પામવા માટે મિત્રો પિન્ટુ ચૌહાણ અને સુરેશ ડાભી સાથે મગનજી ઠાકોરને હટાવી દેવાનો પ્લાન ઘડ્યો :આરોપીઓએ મગનજીના ગળે દુપટ્ટાથી ટૂંપો દઈ દિધો : મગનજીની હત્યા કરીને આરોપીઓએ મૃતદેહને રાંધેજાની સીમમાં ફેંકી દિધો

ગાંધીનગરમાં આવેલા રાંધેજા ગામની સીમમાં એક શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પેથાપુર પોલીસે આ હત્યાના ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી દીધો છે. રાંધેજામાંથી મળી આવેલો મૃતદેહ એક 36 વર્ષીય ટ્રકચાલકનો હતો, આ ગુનામાં હાલ 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
મળતી માહિતી મુજબ, મૃત્યુ પામનાર મગનજી ઉર્ફે મનોજ ઠાકોરની હત્યા તેના મિત્રે કરી હતી. મૃતક મગનજી ઠાકોર ટ્રક ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે દિકરા અને એક દીકરી છે. મૃતક 3 જૂનની રોજ નોકરી કરવા માટે નીકળ્યા હતા. પરંતુ પાછા ફર્યા નહોતા. મૃતકના પિતરાઈ ભાઈના ભાણાએ ફોન કરીને પરિવારને જાણ કરી હતી જ્યારે ઘટના અંગે જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે મૃતદેહને કબ્જે કરીને પીએમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.પીએમમાં ખુલાસો થયો કે, તેની હત્યા ગળે ટૂંપો દઈને કરાઈ છે. પોલીસે ગુનેગારો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે શંકાના આધારે ત્રણ શખ્સોને ઉઠાવીને પૂછપરછ કરી હતી. જેમાં સત્ય બહાર આવ્યું હતું. રાંધેજા ગામનો લાલા ગાભાજી ઠાકોર જે ગાંધીનગર મહાનગરપાલિકામાં માળી તરીકે ફરજ બજાવે છે. તે મૃતકનો મિત્ર હતો. ઘણીવાર મિત્ર મગનજી ઠાકોરના ઘરે આવતો જતો હતો.
આ સમય દરમિયાન લાલા ઠાકોર મૃતકની પત્નીના એક તરફી પ્રેમમાં પડી ગયો હતો. આરોપી લાલાએ મૃતકની પત્નીને પામવા માટે, પોતાના મિત્રો પિન્ટુ ચૌહાણ અને સુરેશ ડાભી સાથે મગનજી ઠાકોરને હટાવી દેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, 3 જૂને ફેરો ન હોવાથી મૃતક ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કાવતરાના ભાગરુપે આરોપી લાલાએ ફોન કરીને મૃતકને દારુ પાર્ટી કરવા બોલાવ્યો હતો.
આરોપીઓની સાથે મૃતકને સાથે લઈને કારમાં નીકળી ગયા હતા. દહેગામ-ચિલોડા તરફથી કાર પસાર થતી સમયે કાવતરાના ભાગરુપે આરોપીઓએ મગનજીના ગળે દુપટ્ટાથી ટૂંપો દઈ દિધો હતો. ઠંડા કલેજે મગનજીની હત્યા કરીને આરોપીઓએ મૃતદેહને રાંધેજાની સીમમાં ફેંકી દિધો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આ હત્યાકાંડમાં મૃતકની પત્નીની કોઈ શંકાસ્પદ ભૂમિકા છે કે નહી તે દિશામાં પોલીસે વધુની તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
