તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
રાજયમાં ચોમાસું પહેલાં લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે: જાણો ગુજરાતમાં ક્યારે થશે મેઘરાજાની પધરામણી ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરી:આગામી દિવસોમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ ન આવવાના કારણે ગરમીનો પારો હજુ વધુ ઉપર જશે.

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા નાગરિકો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ ન આવવાના કારણે ગરમીનો પારો હજુ વધુ ઉપર જશે. ચોમાસું બેસે તે પહેલાં લોકોને આકરી અને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે, જેના કારણે આગામી દિવસોમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 જૂનના રોજ દરિયામાં પવનો ફૂંકાવાના શરૂ થશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી આસપાસ પહોંચી જશે. જ્યારે દરિયા કિનારાના વિસ્તારો અને દ્વારકાના ભાગોમાં 33 ડિગ્રી, જામનગરમાં 35 થી 36 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન પણ 27 થી 30 ડિગ્રી જેટલું ઊંચું રહેશે.
આગામી સમયમાં દરિયામાં મોટી હલચલ જોવા મળશે, જેમાં 16 થી 22 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે. આ મહિનાના અંતમાં વધુ એક લો-પ્રેશર બનશે, જ્યારે 22 જૂન આસપાસ અરબ સાગરમાં પણ નવી સિસ્ટમ બનવાની શક્યતા છે. હાલ કેરળ કાંઠે સ્થિર થયેલું ચોમાસું 10-11 જૂન આસપાસ આગળ વધીને મુંબઈ સુધી પહોંચશે, જોકે 16 જૂન સુધી ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં ઓછો વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનની વાત કરીએ તો, રાજ્યમાં 20 થી 28 જૂન દરમિયાન ચોમાસું સત્તાવાર રીતે દસ્તક દે તેવી પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ 7 જુલાઈની આસપાસ રાજ્યભરમાં ખૂબ જ સારો અને સાર્વત્રિક વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે અને આ વર્ષે ચોમાસું લાંબુ ખેંચાશે, એટલે કે ઓક્ટોબર મહિના સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
