<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

વડોદરાના ડેસરમાં સોની વેપારીએ લાખોનું ફુલેકુ ફેરવ્યું :ગ્રાહકોએ નવા ઘરેણાં બનાવવા માટે આપેલું સોનું બારોબાર વેચી નાખ્યું !!

આ કૌભાંડ બહાર આવતા જ સમગ્ર ડેસર તાલુકા સહિત વડોદરાના વેપારી વર્ગમાં ભારે ચકચાર મચી ગઈ

વડોદરા જિલ્લાના ડેસર તાલુકા મથકેથી એક ચોંકાવનારો અને વેપારી આલમને હચમચાવી મૂકનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડેસર ખાતે સોના-ચાંદીની દુકાન ધરાવતા એક જાણીતા સોની વેપારીએ ગ્રાહકોના અતૂટ વિશ્વાસનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની આર્થિક છેતરપિંડી આચરી છે. ગ્રાહકોએ નવા ઘરેણાં બનાવવા માટે આપેલું સોનું બારોબાર વેચી મારીને ફુલેકું ફેરવનાર વેપારી સામે ડેસર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કૌભાંડ બહાર આવતા જ સમગ્ર ડેસર તાલુકા સહિત વડોદરાના વેપારી વર્ગમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

મળતી વિગતો મુજબ, ડેસરમાં સોના-ચાંદીનો વ્યવસાય કરતા સંજય ચંપકલાલ સોની નામના વેપારી સામે સ્થાનિક ગ્રાહકોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક રહીશો અને નિયમિત ગ્રાહકોએ પોતાના જૂના દાગીના તેમજ શુદ્ધ સોનું સંજય સોનીને નવા ઘાટના આકર્ષક ઘરેણાં બનાવવા માટે આપ્યા હતા. જો કે, લાંબો સમય વીતી જવા છતાં પણ વેપારી દ્વારા દાગીના તૈયાર ન કરી આપવામાં આવતા ગ્રાહકોને શંકા ગઈ હતી. આખરે ગ્રાહકોએ જ્યારે આ મામલે કડક ઉઘરાણી અને તપાસ કરી, ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

 

તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે, સોની વેપારીએ ગ્રાહકોનું કિંમતી સોનું પોતાના અંગત સ્વાર્થ માટે બારોબાર વેચી મારીને લાખો રૂપિયા અંકે કરી લીધા હતા. આ છેતરપિંડીની કડવી વાસ્તવિકતા સામે આવતા જ શરૂઆતમાં એક હિંમતવાન ગ્રાહકે ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ એક ફરિયાદ નોંધાતાની સાથે જ એક પછી એક 10 થી વધુ ભોગ બનનાર ગ્રાહકો સામે આવ્યા.

 

પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, જો જૂના ભાવોને ધ્યાનમાં રાખવામાં આવે તો પણ આ કૌભાંડ અંદાજે 13 લાખ રૂપિયાથી વધુનું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. જો કે, વર્તમાન બજાર ભાવ અને હજુ પણ જે ગ્રાહકો છેતરાયા હોવા છતાં પોતાનું સોનું પાછું મળશે તેવી આશાએ બેઠા છે, તેમની ગણતરી કરવામાં આવે તો આ આંકડો ઘણો મોટો થઈ શકે તેમ છે.

 

ઘટનાની ગંભીરતા અને લોકરોષને ધ્યાને રાખીને ડેસર પોલીસે તાત્કાલિક એક્શન લીધું હતું. પોલીસે મોડી રાત્રે જ ગ્રાહકોની પરસેવાની કમાણી નવડાવનાર વેપારી સંજય ચંપકલાલ સોનીની અટકાયત કરી લીધી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે, આખરે આ સોનું કોને અને ક્યાં વેચવામાં આવ્યું હતું, તેમજ આ સમગ્ર કૌભાંડની કુલ રકમ કેટલી છે. તે અંગે પોલીસે ઉંડી તપાસ શરુ કરી છે.

(1:58 PM IST)