તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
અમદાવાદથી ગાંધીનગર સુધી ૩૭.૬૦ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને જીટીયુના નવા કેમ્પસનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર સર્પ્રાઇઝ નિરીક્ષણ
વર્ષ ૨૦૨૭ સુધીમાં રિવરફ્રન્ટના ત્રણેય ફેઝ અને આગામી ઓક્ટોબર સુધીમાં લેકાવાડા ખાતે ૧૦૦ એકર જમીન પર બની રહેલું જીટીયુનું ભવન પૂર્ણ કરવા આદેશ : જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠૌર પણ સાઇટ વિઝિટમાં જોડાયા

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ચાલી રહેલા નિર્માણાધિન અને અતિ મહત્વપૂર્ણ એવા વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ખાસ સાઇટ વિઝીટ કરી હતી. મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોની ગતિ અને તેની ગુણવત્તાને રૂબરૂ ચકાસવા માટે વિવિધ નિર્માણ સ્થળોની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે રાજ્યના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સની તમામ કામગીરી સમયબદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધોરણે હાથ ધરાય તે અત્યંત જરૂરી છે, જે માટે તેમણે સ્થળ પર જ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાબરમતી રિવરફ્રન્ટના ત્રણેય ફેઝનું સઘન સ્થળ નિરીક્ષણ:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ત્રણ ફેઈઝ હેઠળ ચાલી રહેલા કામોનું બારીકાઈથી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી શરૂ કરીને ગાંધીનગર સુધી કુલ ૩૭.૬૦ કિલોમીટરની લંબાઈમાં આ ભવ્ય રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે નર્મદા કેનાલ કરાઈથી પીડીઈયુ (PDEU), પીડીઈયુથી શાહપુર બ્રિજ અને શાહપુર બ્રિજથી ચિલોડા બ્રિજ સુધીના ૧૭.૨૦ કિલોમીટરના વિવિધ કામો જળ સંપત્તિ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે.
ગાંધીનગર અને ગિફ્ટ સિટીના નાગરિકોને મળશે મોટી ભેટ:
આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થવાને કારણે ગાંધીનગર મહાનગર તેમજ ગિફ્ટ સિટી (GIFT City) વિસ્તારના લોકોને એક અદભુત અને રમણીય પર્યટન સ્થળ સાંપડશે. આ ઉપરાંત, નદીના કાંઠા વિસ્તારોના વિકાસની સાથે-સાથે આસપાસના વિસ્તારોની રોડ કનેક્ટિવિટી સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પણ વધુ સંગીન અને મજબૂત બનશે, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા અને પરિવહન વધુ સુગમ બનશે. સરકારી અંદાજ મુજબ, આ રિવરફ્રન્ટના ત્રણેય ફેઈઝનું ભવ્ય કામ વર્ષ ૨૦૨૭ ના અંત સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવશે.
લેકાવાડામાં આકાર લઈ રહ્યું છે જીટીયુનું નવું ભવન:
રિવરફ્રન્ટ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર નજીક લેકાવાડા ખાતે નિર્માણ પામી રહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના નવા કેમ્પસની બાંધકામ કામગીરીની પણ સ્થળ મુલાકાત લીધી હતી. જીટીયુનું આ આધુનિક ભવન કુલ ૧૦૦ એકર જેટલી વિશાળ જમીન પર આકાર લઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ આ શૈક્ષણિક પ્રોજેક્ટની સમીક્ષા કરીને જણાવ્યું હતું કે આ નવું કેમ્પસ આગામી ઓક્ટોબર મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. આ ઉચ્ચ સ્તરીય સાઇટ વિઝીટ દરમિયાન જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર એસ એસ રાઠૌર તેમજ રાજ્યના અન્ય વરિષ્ઠ સચિવોએ મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહીને પ્રોજેક્ટની ટેકનિકલ અને પુરક માહિતીઓ પૂરી પાડી હતી.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
