<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ગુજરાતમાં આકરા તાપ વચ્ચે હવામાનનો 'યુ-ટર્ન': આગામી દિવસોમાં આ 10 જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રીની શક્યતા!

પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડતા વાતાવરણમાં મોટો પલટો; સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર

અમદાવાદ |: ગુજરાતવાસીઓ છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ હવે હવામાન વિભાગે એક આશાનું કિરણ આપ્યું છે. રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી હવે વધુ સક્રિય બની રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.
કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, 7 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવન અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પવનની ગતિ પણ તેજ રહી શકે છે, તેથી ખેડૂતો અને ખુલ્લામાં કામ કરતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
કેમ બદલાયું વાતાવરણ?
હવામાન નિષ્ણાતોના મતે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતને અડીને આવેલા વિસ્તારોમાં 'સાયક્લોનિક સર્ક્યુલેશન' સક્રિય થયું છે. સમુદ્ર સપાટીથી આશરે 3.1 કિલોમીટરની ઊંચાઈએ સર્જાયેલી આ સિસ્ટમ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારી રહી છે. બીજી તરફ, નૈઋત્યનું ચોમાસું ગોવા અને બેંગલુરુ સુધી પહોંચી ગયું હોવાથી ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે, જેને પગલે વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થવાના એંધાણ છે.
અમદાવાદમાં હજુ ગરમીનો પ્રકોપ યથાવત
ભલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી હોય, પરંતુ અમદાવાદ માટે રાહતના સમાચાર નથી. આગામી 24 કલાકમાં શહેરમાં આકાશ આંશિક વાદળછાયું રહેવા છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગઈકાલે નોંધાયેલ 41.3 ડિગ્રી તાપમાન બાદ, આજે પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં વધુ છે.
11 અને 12 જૂન વધુ મહત્વપૂર્ણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 11 અને 12 જૂનથી વરસાદી માહોલ વધુ વિસ્તૃત બનશે. આ સમયગાળા દરમિયાન મહીસાગર, પંચમહાલ, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકો માટે આગામી પાંચ દિવસ હવામાનમાં સતત બદલાવનો અનુભવ થશે.

(7:15 PM IST)