<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

મોતનો મધરાતે ખેલ: વૈષ્ણોદેવી જતી ટ્રેનના ચાલતી ટ્રેને થયા બે ટુકડા, 1200 મુસાફરોનો જીવ અધ્ધરતાલ!

લુધિયાણા સ્ટેશન પર સર્જાયો ભયાનક નજારો; કપ્લર તૂટતા ટ્રેન અધવચ્ચેથી છૂટી પડી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

લુધિયાણા : રેલવે મુસાફરી દરમિયાન ભાગ્યે જ કોઈ આવી ઘટના વિશે વિચારી શકે છે. પંજાબના લુધિયાણા રેલવે સ્ટેશન પર શનિવારે સવારે એક એવી ઘટના બની જેણે મુસાફરોની રુવાડાં ઊભા કરી દીધા હતા. નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા જતી સ્પેશિયલ ટ્રેનના અચાનક બે ભાગ થઈ ગયા હતા. જો ટ્રેન સ્ટેશન પરથી થોડી વધુ ઝડપે પસાર થઈ રહી હોત તો ગંભીર જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી.
વિસ્ફોટ જેવો અવાજ અને અફરાતફરી
ટ્રેન નંબર 04081 નવી દિલ્હીથી રાત્રે 2:30 વાગ્યે ઉપડી હતી અને સવારે 8:47 વાગ્યે લુધિયાણા પહોંચી હતી. સ્ટેશન પર નિર્ધારિત સ્ટોપ લીધા બાદ જેવી ટ્રેન આગળ વધી, કે તરત જ એક જોરદાર ધડાકો સંભળાયો હતો. આ અવાજ એટલો ભયાનક હતો કે મુસાફરોને લાગ્યું કે કોઈ બોમ્બ વિસ્ફોટ થયો છે. આખું ડબ્બામાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મુસાફરો જીવ બચાવવા માટે નીચે ઉતરી આવ્યા હતા.
તકનીકી ખામીએ ઉભી કરી મુસીબત
તપાસમાં બહાર આવ્યું કે ટ્રેનના બે કોચને જોડતો લોખંડી 'કપ્લર' તૂટી ગયો હતો, જેના કારણે ટ્રેન અધવચ્ચેથી અલગ પડી ગઈ હતી. ફિરોઝપુર ડિવિઝનના DRM સંજીવ કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે જે કોચમાં આ ખામી સર્જાઈ તે આશરે 15 વર્ષ જૂનો હતો. રેલવેના નિયમ મુજબ કોચની સર્વિસ લાઇફ 25 વર્ષની હોય છે, છતાં આ કપ્લર કેવી રીતે તૂટ્યું તે અંગે ટેકનિકલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મોટી દુર્ઘટના ટળી
સદનસીબે, ટ્રેન સ્ટેશન પરથી અત્યંત ધીમી ગતિએ પસાર થઈ રહી હતી, જેના કારણે કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી. ઘટનાની ગંભીરતા જોઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા. લુધિયાણા ADCP સમીર વર્માએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ આતંકી ઘટના કે તોડફોડ નથી, પરંતુ માત્ર એક ગંભીર તકનીકી ખામી છે.
મુસાફરોને ફરી રવાના કરવાની તૈયારી
રેલવે તંત્રએ તાત્કાલિક અસરગ્રસ્ત કોચને અલગ કરીને તેની જગ્યાએ બીજો કોચ જોડવાની કવાયત હાથ ધરી છે. ટેકનિકલ ચકાસણી પૂર્ણ થયા બાદ આ ટ્રેનને ફરીથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા તરફ રવાના કરવામાં આવશે. રેલવે અધિકારીઓએ મુસાફરોને સલામત મુસાફરીની ખાતરી આપી છે, પરંતુ આ ઘટનાએ જૂના થઈ ગયેલા રેલવે કોચ અને કપ્લરની જાળવણી સામે ફરીથી પ્રશ્નો ઉભા કર્યા છે.

(7:16 PM IST)