તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
‘સ્માર્ટ સિટી’ વડોદરામાં પાણી માટે ‘ત્રાહિમામ’: ગરમીમાં લોકોના ગળા સુકાયા, મહિલા કોર્પોરેટરે પોતે ટેન્કર ચલાવીને પહોંચાડ્યું પાણી!
વહીવટી તંત્રના અણઘડ આયોજન સામે જનતામાં રોષ; છેલ્લા 15 દિવસથી ચંદ્રપ્રભા નગરના રહીશો પાણી માટે વલખાં મારવા મજબૂર

વડોદરા : એક તરફ વડોદરા શહેર ‘સ્માર્ટ સિટી’ હોવાના દાવાઓ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના જ નાગરિકો ટીપે-ટીપે પાણી માટે વલખાં મારી રહ્યા છે. વોર્ડ નંબર 14માં આવેલા ચંદ્રપ્રભા નગર (VUDA) આવાસના રહીશો છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્રની બેદરકારીને કારણે આ વિસ્તારમાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
મહિલા કોર્પોરેટરની અનોખી પહેલ: ડ્રાઈવિંગ સીટ સંભાળી પહોંચાડ્યું પાણી
આ કટોકટીભર્યા માહોલ વચ્ચે આજે વિપક્ષી કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ ચંદ્રપ્રભા નગરની મુલાકાતે પહોંચ્યા હતા. સ્થાનિકોની હાલાકી જોઈને મહિલા કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ એટલા સંવેદનશીલ બની ગયા કે તેમણે પોતે જ પાણીના ટેન્કરનું ડ્રાઇવિંગ સીટ સંભાળ્યું અને જાતે ટેન્કર ચલાવીને સોસાયટી સુધી પાણી પહોંચાડ્યું હતું. તેમની આ અનોખી અને સાહસિક પહેલને સ્થાનિક રહીશોએ ભારે આવકારી હતી અને તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
તંત્ર માત્ર આશ્વાસન આપે છે, કાયમી ઉકેલ ક્યારે?
સ્થાનિક રહીશ હેમા જાદવે જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયાથી પાણીનો પુરવઠો સાવ ખોરવાઈ ગયો છે. મહિલાઓ અને વડીલોને પાણી માટે કલાકો સુધી રઝળપાટ કરવો પડે છે. વિપક્ષી કોર્પોરેટરોએ વડોદરા મહાનગરપાલિકા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “પાલિકાનું આયોજન માત્ર કાગળ પર જ સ્માર્ટ છે. જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે માત્ર ટેમ્પરરી ટેન્કર મોકલીને સંતોષ માની લેવાય છે, પરંતુ વર્ષો જૂની આ સમસ્યાનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી.”
કાયમી ઉકેલ માટે જનતાની માંગ
વહીવટી તંત્ર દ્વારા હાલ ટેન્કર મોકલીને લોકોની તરસ છિપાવવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ રહીશો હવે માત્ર કામચલાઉ રાહતથી સંતુષ્ટ નથી. સ્થાનિકોએ હવે પાલિકા તંત્ર પાસે સ્પષ્ટ માંગ કરી છે કે જો તાત્કાલિક ધોરણે પાઈપલાઈન અને પાણીના પુરવઠાને સુવ્યવસ્થિત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચંદ્રપ્રભા નગરની આ સ્થિતિ વડોદરાના વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર બની છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
