તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
સુરતમાં કાળજું કંપાવતી દુર્ઘટના: ETP ટેન્કમાં સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ઝેરી ગેસથી કરૂણ મોત
ચોર્યાસી ડેરી પાસે રતિ હાઉસ પરિસરમાં બનેલી ઘટના, ગૂંગળામણને કારણે ચારેય સફાઈ કર્મીઓએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડ્યો

સુરત: ડાયમંડ સિટી સુરતમાંથી રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ચોર્યાસી ડેરી નજીક ખાંડ બજાર પાસે આવેલા 'રતિ હાઉસ' પરિસરમાં એક એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈ કરવા ઉતરેલા ૪ સફાઈ કામદારોના ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યા છે. સવારે અંદાજે ૧૦:૨૨ વાગ્યે બનેલી આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ટેન્કની અંદર એકત્રિત થયેલા અતિ ઝેરી ગેસના કારણે શ્રમિકો ગૂંગળાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
ફાયર કંટ્રોલ રૂમને પરિસરમાં માણસ ફસાયો હોવાનો ઈમરજન્સી કોલ મળતા જ બચાવ ટુકડી તાત્કાલિક એક્શનમાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ ટેન્ક ચેમ્બર સાફ કરવા અંદર ઉતરેલા ચારેય શ્રમિકો ઝેરી ગેસની અસરમાં આવીને અંદર જ બેભાન થઈ ગયા છે. ફાયર ફાઈટરોની ટીમે ઓક્સિજન કીટ અને જરૂરી સંસાધનો સાથે ટેન્કમાં ઉતરીને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા.
ટેન્કમાંથી બહાર કઢાયેલા તમામ શ્રમિકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને ચારેય સફાઈ કામદારોને મૃત જાહેર કર્યા હતા. આ કરૂણ ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.
સુરત પોલીસે આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. સફાઈ કામદારોને સુરક્ષાના સાધનો આપ્યા વિના જ ટેન્કમાં ઉતારવામાં આવ્યા હતા કે કેમ, તે દિશામાં વહીવટી તંત્ર અને પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આગામી સમયમાં તપાસના અહેવાલના આધારે ફેક્ટરી માલિક કે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી અને બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવશે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
