News of Sunday, 7th June 2026
વિકાસ કે વિનાશ? મોટેરામાં મેગા ડિમોલિશન સામે જનઆક્રોશ: પોલીસ અને સ્થાનિકો વચ્ચે ભારે ઝપાઝપી
સ્પોર્ટ્સ વિલેજ પ્રોજેક્ટ અંતર્ગત આસારામ આશ્રમ નજીક સરકારી જમીન પરથી દબાણ હટાવવા ગયેલા તંત્રનો સ્થાનિક મહિલાઓએ રડીને ઉગ્ર વિરોધ કર્યો, અનેકની અટકાયત.

અમદાવાદ : અમદાવાદના મોટેરા ગામમાં આજે કલેક્ટર કચેરી અને એએમસી (AMC) તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રસ્તાવિત 'સ્પોર્ટ્સ વિલેજ' બનાવવાના આયોજન હેઠળ સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની આ કામગીરી દરમિયાન સ્થાનિકોએ વગર માપણીએ તોડફોડનો આક્ષેપ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ વણસતાં ૫ PI અને ૧ ACP સહિત ૧૦૦થી વધુ પોલીસકર્મીઓના કાફલાએ વિરોધ કરી રહેલી મહિલાઓ સહિત અનેક લોકોની અટકાયત કરી હતી.
મોટેરા વિસ્તારમાં વર્ષોથી રહેતા પરિવારો પોતાના ઘર તૂટતા જોઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઇન્દિરાવાસ યોજના હેઠળ કાયદેસરની સનદ ધરાવતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમારી પાસે કાયદેસરના દસ્તાવેજો હોવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કે યોગ્ય વળતર આપ્યા વિના ઘર તોડવામાં આવી રહ્યા છે." મોંઘવારીના સમયમાં નાના બાળકો સાથે ક્યાં જવું તેવા સવાલો સાથે મહિલાઓએ ચીમકી આપી હતી કે જો ન્યાય નહીં મળે તો તેઓ સામૂહિક આત્મવિલોપન કરવા પણ મજબૂર બનશે.
બીજી તરફ, સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આખા ઘર તોડવાનું કોઈ આયોજન નથી. તંત્રના જણાવ્યા મુજબ, સરકારે આપેલી સનદના નિયમ પ્રમાણે ૫૦ ચોરસ મીટરથી વધુનું જે વધારાનું ગેરકાયદે બાંધકામ છે, માત્ર તેને જ દૂર કરવામાં આવી રહ્યું છે. અંદાજે ૧૭ જેટલા ઘરોના આવા વધારાના ભાગો પર બુલડોઝર ફેરવાશે. જે રહીશોએ પોતાના સંપૂર્ણ ઘર તોડવા સંમતિ આપી છે, તેઓને નિયમ મુજબ વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમનો વિવાદિત કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. હાલ પૂરતું તંત્રએ વિરોધને શાંત પાડીને વધારાનું દબાણ હટાવવાની પ્રક્રિયા આગળ ધપાવી છે, જ્યારે સ્થાનિકો હજુ પણ યોગ્ય પુનર્વસન અને વળતરની માંગ પર અડગ છે. હવે પછી સરકાર આ વિરોધ પ્રદર્શનને ધ્યાને લઈને કોઈ નવો વચગાળાનો રસ્તો કાઢે છે કે કેમ તે જોવું રહ્યું.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
