<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ગોધરામાં વિકાસના દાવા પોકળ: પ્રિ-મોન્સૂન પ્લાનિંગના અભાવે જનતા પર તોળાતું ‘ચોમાસું સંકટ’

અધૂરા રસ્તા અને ખુલ્લી ગટરો બન્યા નાગરિકો માટે માથાનો દુઃખાવો, નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં માસૂમ બાળકોની સુરક્ષા જોખમાઈ.

ગોધરા: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં સ્થાનિક નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કાગળ પર કરાતા વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે ચોમાસા પૂર્વેની એક વરવી અને ભયજનક વાસ્તવિકતા સામે આવી છે. આગામી દિવસોમાં ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને સોમવારથી નવી શૈક્ષણિક શાળાઓ પણ શરૂ થવાના આરે છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેરમાં જનસુવિધા માટે શરૂ કરાયેલા અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો અત્યારે સ્થાનિક રહીશો અને વાલીઓ માટે આશીર્વાદના બદલે આફત બની જતાં જનતામાં શાસકો સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.
ગોધરાના અનેક રહેણાંક અને મુખ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તાઓ ખોદીને એમ જ છોડી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વેકેશન પૂર્ણ થવા આવ્યું છે અને નવી શૈક્ષણિક સત્ર શરૂ થવાની તૈયારીમાં છે. તેવામાં ખોદાયેલા રસ્તાઓ અને ખુલ્લી ગટરોને કારણે શાળાએ જતા નાના બાળકો અને વાલીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. પ્રિ-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર વાતો થતી હોય તેમ લાગી રહ્યું છે. જો સામાન્ય વરસાદ પણ પડશે, તો આ ખોદાયેલા રસ્તાઓમાં પાણી ભરાઈ જશે. પરિણામે, કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થાપશે, મચ્છરોનો ઉપદ્રવ વધશે અને વાહનચાલકો સ્લિપ થવાના કારણે મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ પ્રબળ બની છે.
તંત્રની ધીમી અને આયોજન વગરની કામગીરીથી કંટાળીને હવે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આ કેવો વિકાસ છે જેમાં લોકોને સુવિધાના બદલે માત્ર મુશ્કેલીઓ જ મળી રહી છે? તંત્ર સામે આક્રોશ ઠાલવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, 'વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા, આખરે લોકોએ પોતાના રોજિંદા આવાગમન માટે પોતાના જ ખર્ચે પથ્થરો કે માટી નાખીને કામચલાઉ વ્યવસ્થા કરવી પડી રહી છે. જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું, તે હજુ પણ અધૂરું લટકી રહ્યું છે.' આ સ્થિતિને કારણે સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે.
ભૂતકાળમાં પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની ઉદાસીનતાને કારણે ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવાના અનેક દાખલા છે. પ્રવર્તમાન ગંભીર સ્થિતિને જોતાં સ્થાનિક જનજાગૃતિ મંચ અને નાગરિકો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ એક જ સુરક્ષિત અને ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં યુદ્ધના ધોરણે ૨૪ કલાક શિફ્ટમાં કામ કરીને તમામ અધૂરા રોડ અને ગટરના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવે. જો આગામી ૪૮ કલાકમાં તંત્ર દ્વારા નક્કર વહીવટી પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી બહાર ઉગ્ર આંદોલન અને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(4:10 PM IST)