<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

સુરતના સિંગણપોરમાં ડબલ મર્ડરથી ચકચાર: ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, નજીવી બાબતે થયેલા ઝઘડો લોહિયાળ બન્યો

સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા જોકે ડોક્ટરોએ સારવાર દરમિયાન બંને યુવકોને મૃત જાહેર કર્યા

સુરત : શહેરના સિંગણપોર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ચા પીવા ગયેલા બે યુવકો પર 10થી 15 જેટલા શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કરતાં બંને મિત્રોના મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટુ માળી પોતાના અન્ય મિત્રો સાથે ચા પીવા માટે ગયા હતા. દરમિયાન ત્યાં હાજર કેટલાક યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઝઘડો શરૂ થયો હતો.
આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો સાથે કર્યો હુમલો
સાક્ષીઓના જણાવ્યા મુજબ, ઝઘડો વધતા 10થી 15 જેટલા યુવકોના ટોળાએ હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બંને યુવકોને ચપ્પુના ગંભીર ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે ડોક્ટરોએ સારવાર દરમિયાન બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા.
પરિવારમાં શોક, પોલીસની તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોની ઓળખ અને ધરપકડ માટે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.
બે યુવાનોના કરુણ મોતથી તેમના પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

(6:54 PM IST)