તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
મોડાસા અપહરણ કેસમાં અરવલ્લી પોલીસની ઝડપી કામગીરી : અલ્ફીનાને ભરૂચ જિલ્લાના આમોદમાંથી સુરક્ષિત રીતે છોડાવી
પ્રેમ લગ્ન કરનાર દંપતી પર હુમલા બાદ યુવતીનું અપહરણ કરાયું હતું :યુવતીના માતા-પિતા સહિત કુલ 6 સગા-સંબંધીઓની ધરપકડ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પ્રેમ લગ્ન કરનાર નવદંપતી પર હુમલો કરી યુવતીના અપહરણ કરવાના ચકચારી મામલામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. મોડાસા કોલેજ રોડ પરથી ફિલ્મી ઢબે અપહરણ કરાયેલી યુવતી અલ્ફીનાને અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં જ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી અપહરણકર્તાઓની ચૂંગલમાંથી સુરક્ષિત રીતે છોડાવી લીધી છે. આ ત્વરિત કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ હાઈપ્રોફાઈલ અપહરણ કેસ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી (LCB), એસઓજી (SOG) સહિત પોલીસની અલગ-અલગ 7 ટીમો કામે લગાડવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અપહરણ, ધાડ અને ગુનાહિત કાવતરાના આ કેસમાં યુવતીના માતા-પિતા સહિત કુલ 6 સગા-સંબંધીઓની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે.
પીડિત પ્રેમી યુવક મિહિર પંચાલ પર થયેલા હિંસક હુમલા દરમિયાન હુમલાખોરો દ્વારા રૂપિયા ૫૫ હજારની રોકડ અને સોનાની ચેન પણ ઝૂંટવી લેવાઈ હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ અંગે મોડાસા ટાઉન પોલીસ મથકે લૂંટ, ધાડ અને અપહરણની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે. આ ચકચારી ઘટના બાદ અરવલ્લી પોલીસે સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ વધારી દીધું છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
