<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

વિરમગામમાં સોની વેપારીના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો : ઘર કંકાસમાં પત્ની અને પુત્રએ જ કરી હતી હત્યા

શરૂઆતમાં સીડી પરથી પડી જવાથી અકસ્માતે મોત થયું હોવાનું દર્શાવાયુ હતું પરંતુ ફોરેન્સિક તપાસમાં પારિવારિક કંકાસના કારણે પત્ની અને પુત્રએ જ વેપારીની હત્યા કરી હોવાનું સામે આવ્યું .

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાંથી એક હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા અને 'અક્ષર જ્વેલર્સ' નામની દુકાન ધરાવતા 48 વર્ષીય સોની વેપારી દીપકકુમાર રાધનપુરાના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો છે. શરૂઆતમાં સીડી પરથી પડી જવાથી અકસ્માતે મોત થયું હોવાનું નાટક રચવામાં આવ્યું હતું, પરંતુ ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં સગા દીકરા અને પત્નીએ જ તેમની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

દીપકકુમાર સોનીની જ્વેલર્સની દુકાન પર તેમનો પુત્ર ઉદય સોની વેપારમાં મદદ કરતો ન હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતે પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘરમાં છેલ્લા ઘણા સમયથી પારિવારિક કંકાસ ચાલતો જ હતો, તેવામાં આ બોલાચાલી ઉગ્ર બનતાં પુત્રનો પક્ષ લઈને માતા દિવ્યાનીબેન પણ ઝઘડામાં કૂદી પડી હતી અને મામલો લોહીયાળ ખેલમાં પરિણમ્યો હતો.

 

ઝઘડો વધતાં જ માતા દિવ્યાનીબેન અને પુત્ર ઉદય સોનીએ એકસંપ થઈને દીપકકુમાર પર લાકડાના ઘોકા વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. તેમણે દીપકકુમારના માથાના ભાગે ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ગૂંગળામણ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વિરમગામ ટાઉન પોલીસે ગુનાનો ભેદ ઉકેલી હત્યારા પત્ની અને પુત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

(9:04 PM IST)