<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

સાયણ-કીમ રોડ પર બે આખલાઓ બાખડતા ટ્રાફિક જામ

વ્યસ્ત માર્ગ પર આખલાઓના યુદ્ધથી વાહનચાલકોમાં ફફડાટ; સ્થાનિકોએ જહેમત ઉઠાવી સ્થિતિ કાબૂમાં લીધી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ-કીમ રોડ પર બે રખડતા આખલાઓ વચ્ચે અચાનક બાખડાટ થતાં માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રોડ પર સામસામે આવી ગયેલા બે આખલાઓ વચ્ચે અચાનક જોરદાર ટક્કર શરૂ થઈ હતી. બંને આખલાઓ આક્રમક બની રોડની વચ્ચે જ બાખડતા રહ્યા હતા. જેના કારણે વાહનચાલકોને વાહનો રોકવાની ફરજ પડી હતી અને થોડા જ સમયમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
આખલાઓના બાખડાટને કારણે આસપાસના લોકો તેમજ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ખતરો ઊભો થયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે લાકડીઓ અને દોરડાની મદદથી બંને આખલાઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આખલાઓને રોડ પરથી દૂર ખસેડવામાં સફળતા મળી હતી.
આખલાઓને હટાવવામાં આવ્યા બાદ માર્ગ પરનો ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો અને વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાએ સાયણ સહિત આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરોની સમસ્યાને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગો પર રખડતા ઢોરોના કારણે અવારનવાર ટ્રાફિક અવરોધ અને અકસ્માતના બનાવો બનતા રહે છે.
ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે રખડતા ઢોરોને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની અને આવી ઘટનાઓની પુનરાવર્તન અટકાવવા અસરકારક કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.

(11:51 AM IST)