તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
સુરત જિલ્લામાં બે અલગ-અલગ બનાવો: ભંગાર ગોડાઉનમાં આગથી યુવકનું મોત: મહિલા ચાર સંતાનો સાથે ગુમ
માંગરોળના મોટા બોરસરામાં મેજિક વાહનની ડીઝલ ટાંકી ગેસ કટર વડે કાપી રહ્યા હતા ત્યારે અચાનક ટાંકીમાં આગ ભભૂકી ઊઠી :આગની દુર્ઘટનામાં યુવકનું મોત

સુરત જિલ્લાના માંગરોળ અને કામરેજ તાલુકામાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ ચિંતા ફેલાવી છે. માંગરોળના મોટા બોરસરા ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે કામરેજના આંબોલી ગામેથી એક પરણીતા મહિલા પોતાના ચાર સંતાનો સાથે ગુમ થઈ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.
માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે આવેલા એક ભંગારના ગોડાઉનમાં ડીઝલ ટાંકી કાપતી વખતે આગ લાગતા 43 વર્ષીય શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં પાલોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોટા બોરસરા ગામના નવાપરા વિસ્તારમાં આવેલા સાંઈ એન્ટરપ્રાઈઝ નામના ભંગારના ગોડાઉનમાં મૂળ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના પીપરા કલ્યાણ ગામના વતની અને હાલ માંગરોળમાં રહેતા છોટેલાલ જીવઘન યાદવ કામ કરી રહ્યા હતા. તેઓ મેજિક વાહનની ડીઝલ ટાંકી ગેસ કટર વડે કાપી રહ્યા હતા ત્યારે અચાનક ટાંકીમાં આગ ભભૂકી ઊઠી હતી.
આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે છોટેલાલ યાદવ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને ગળાથી નીચેના શરીરના મોટા ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
બનાવ અંગે પાલોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
કામરેજ તાલુકાના આંબોલી ગામેથી 36 વર્ષીય પરણીતા મહિલા પોતાના ચાર સંતાનો સાથે અચાનક ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ અંગે કામરેજ પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, આંબોલી ગામના રાજશી એપાર્ટમેન્ટમાં રહેતી અફસાના રહીમ મન્સુરી પોતાના ચાર સંતાનો – 9 વર્ષીય રેહાન, 7 વર્ષીય અરીના, 4 વર્ષીય આતીફ અને 25 દિવસીય આયશા સાથે ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી.
સમય વીતવા છતાં અફસાના અને તેમના સંતાનો ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેમણે સગા-સંબંધીઓ તથા ઓળખીતાઓમાં તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી ન હતી.
આખરે પરિવારજનોએ કામરેજ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી મહિલાની તથા ચારેય સંતાનોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ વિવિધ સંભવિત સ્થળોએ તપાસ ચલાવી રહી છે અને વધુ માહિતી મેળવવાના પ્રયાસો કરી રહી છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
