<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

વડોદરાના ગદા સર્કલ પાસે GSRTC બસે શ્રમજીવી મજૂરને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અકસ્માત સર્જ્યા બાદ એસટી બસનો ચાલક ઘટનાસ્થળે જ બસ છોડીને ફરાર:પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી

વડોદરા શહેરમાં સતત અકસ્માતોની ઘટના બની રહી છે.  ત્યારે વડોદરાના વ્યસ્ત એવા ગદા સર્કલ પાસે એક ગમખ્વાર સર્જતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.  પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી (GSRTC)ની બસે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક શ્રમજીવીને જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે ગરીબ મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.

 

મળતી જાણકારી અનુસાર અકસ્માત સર્જાયા બાદ બસ ચાલકે ગંભીરતા સમજવાને બદલે કાયદાના ડરથી ભાગવાનું મુનાસિબ માન્યું હતું. અકસ્માત સર્જીને બસ ચાલક પોતાની બસને ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સરકારી એસટી બસના ચાલકની આ પ્રકારની બેદરકારી અને સંવેદનહીનતાને કારણે સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

 

ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ, મૃતક શ્રમજીવીના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા એસટી બસના ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ સાથે જ અકસ્માતનો ભોગ બનનાર શ્રમજીવીની ઓળખ મેળવવા અને તેના પરિવારજનોને જાણ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

(1:49 PM IST)