<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

કોંઢ ગામ બાદ મોરબીના જેતપરનાં ખેડૂતોને અન્‍યાય, પોલીસ બળથી દબાવવાનો પ્રયાસ : અમિત ચાવડા

પોતાની જ જમીન પર ન્‍યાય માંગતા ખેડૂતો પર દમનકારીઃ જનઆંદોલન છેડાશે

રાજકોટ તા. ૮ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ એક યાદીમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી અને દમનકારી નીતિઓ પર આકરા પ્રહાર કરતાં જણાવ્‍યું હતું કે, સુરેન્‍દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં ખેડૂતોના વિરોધ છતાં પાવરગ્રીડ કંપની દ્વારા હાઈટેન્‍શન વીજલાઈનના ટાવર ઊભા કરવાની કાર્યવાહી બાદ, હવે મોરબી જિલ્લાના જેતપર ગામમાં પણ ખેડૂતોને પૂરતું અને ન્‍યાયસંગત વળતર ચૂકવ્‍યા વગર વીજલાઈનના થાંભલા ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડૂતોનો વિરોધ વિકાસની સામે નથી, પરંતુ તેમની જમીનમાંથી પસાર થતી વીજલાઈન અને ઊભા કરાતા થાંભલાઓના કારણે થનારા કાયમી નુકસાન સામે છે. ખેડૂતોની સ્‍પષ્ટ માંગ છે કે તેમની જમીન, પાક અને ભવિષ્‍યમાં થનારી આર્થિક અસરોનું વાસ્‍તવિક મૂલ્‍યાંકન કરી, વર્તમાન બજારભાવ મુજબ યોગ્‍ય વળતર આપવામાં આવે. તેમ છતાં, તંત્ર દ્વારા ખેડૂતો સાથે સંવાદ સાધવાને બદલે મોટી સંખ્‍યામાં પોલીસ કાફલો ઉતારી વિરોધ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અત્‍યંત દુર્ભાગ્‍યપૂર્ણ અને નિંદનીય હોવાનું અમિત ચાવડાએ જણાવ્‍યુ છે.

ખેડૂતોની જમીન માત્ર મિલકત નથી, પરંતુ તેમના પરિવારની આજીવિકા, જીવનભરની મૂડી અને બાપદાદાની વારસાગત સંપત્તિ છે. કોઈપણ અધિકારી અથવા ખાનગી કંપની ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર મનસ્‍વી રીતે તેમની જમીનમાં થાંભલા ઊભા કરી શકે નહીં. જમીન પર થનારી અસરો અને તેના વળતર અંગે ખેડૂતોની વાત સાંભળવી અને તેમને ન્‍યાય આપવો એ સરકારની જવાબદારી છે. તેમ અંતમાં અમિત ચાવડાએ જણાવ્‍યુ છે.

પોતાના હક્ક અને ન્‍યાય માટે લડી રહેલા કોઠ, જેતપર ગામના તથા રાજ્‍યના તમામ ખેડૂતો સાથે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી ખભેખભો મિલાવીને ઊભો છે. જરૂર પડયે રાજ્‍યવ્‍યાપી જનઆંદોલન શરૂ કરશે. તેવો ધ્રુજારો પણ શ્રી ચાવડાએ વ્‍યકત કર્યો છે.

(3:47 PM IST)