News of Monday, 8th June 2026
વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના ભાજપના નગરસેવક દીપકભાઈ મોદીએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું
નગરસેવકના આત્મહત્યા પાછળનું કોઈ આર્થિક કે પારિવારિક કારણ છે કે કેમ, તે જાણવા માટે પોલીસ હવે મૃતકના મોબાઈલ ફોન અને કોલ ડિટેઇલ્સની ઝીણવટભરી તપાસ કરશે

વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના ભાજપના નગરસેવક દીપકભાઈ મોદીએ ટ્રેન નીચે પડતું મૂકીને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને રાજકીય આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિસનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર શહેરમાં સવારે આશરે 8 વાગ્યાના સુમારે રેલવે ટ્રેક પર એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની જાણ પોલીસને ટેલિફોન મારફતે થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતકે પોતાનું એક્ટિવા સ્કૂટર ટ્રેક નજીક સાઈડમાં મૂકીને આવતી ટ્રેન સામે પડતું મૂક્યું હતું. એક્ટિવાના નંબરના આધારે મૃતકની ઓળખ દીપકભાઈ મોદી તરીકે થઈ હતી, જેઓ વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, દીપકભાઈ સવારે ઘરેથી પરિવારજનોને નાકા પર ચા પીવા જવાનું કહીને નીકળ્યા હતા. ઘરમાં કોઈ પારિવારિક ઝઘડો કે તકરાર ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. હાલમાં ઘટનાસ્થળે કે એક્ટિવામાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપ્યો છે. નગરસેવકના આત્મહત્યા પાછળનું કોઈ આર્થિક કે પારિવારિક કારણ છે કે કેમ, તે જાણવા માટે પોલીસ હવે મૃતકના મોબાઈલ ફોન અને કોલ ડિટેઇલ્સની ઝીણવટભરી તપાસ કરશે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
