News of Monday, 8th June 2026
અમદાવાદના પાલડીમાં જલારામ અંડરપાસમાં લોખંડના સળિયા બહાર દેખાયા અને પોપડા ઊખડ્યા :અકસ્માતનું તોળાતું જોખમ
બ્રિજ અને અંડરપાસના બાંધકામની ગુણવત્તા એટલી નબળી છે કે થોડા જ સમયમાં રોડ અને સ્લેબ તૂટી ગયા છે.

અમદાવાદ:શહેરના અત્યંત વ્યસ્ત એવા પાલડી વિસ્તારમાં આવેલા જલારામ અંડરપાસની સ્લેબમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ અંડરપાસના ઉપરના ભાગેથી સિમેન્ટના મોટા-મોટા પોપડા ઉખડી રહ્યા છે, જે નીચેથી પસાર થતા હજારો વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. આ અંડરપાસ સતત ટ્રાફિકથી ધમધમતો હોવાથી, જો કોઈ મોટો પોપડો ચાલુ વાહને નીચે પડે તો વાહન ચાલકો અને અન્ય વાહનો માટે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિકો અને વાહનચાલકો અત્યારે જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે.
આ સમગ્ર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી-મોન્સૂન અને રિપેરિંગના દાવાઓ સામે મોટા સવાલો ઉભા થયા છે. બ્રિજ અને અંડરપાસના બાંધકામની ગુણવત્તા એટલી નબળી છે કે થોડા જ સમયમાં રોડ અને સ્લેબ તૂટી ગયા છે.
આ અગાઉ પણ આ જ જલારામ અંડરપાસમાં સળિયા દેખાયા હોવાની ફરિયાદો ઉઠી હતી, પરંતુ એએમસીના અધિકારીઓ દ્વારા માત્ર થીગડા મારવા જેવું હલકી ગુણવત્તાનું રિપેરિંગ કરીને સંતોષ માની લેવાયો હતો. તંત્ર દ્વારા યોગ્ય રીતે રીસરફેસિંગ ન કરવામાં આવ્યું હોવાથી આજે ફરીથી સળિયા બહાર આવી ગયા છે. ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે જનતાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
