<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

સુરતના વરાછામાં ગે ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલા શખ્સોએ એક યુવકને મુલાકાત માટે બોલાવી રૂ. 45 હજારની લૂંટ ચલાવી

આરોપીએ યુવકને વિશ્વાસમાં લઈ ખેલ પાડ્યો: રૂ. 45,000 ની રોકડ રકમ પડાવી લીધી: પોલીસે બે આરોપીને પકડ્યા

સુરતના વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકને ગે ડેટિંગ એપનો ઉપયોગ કરવો ભારે પડી ગયો છે. આ એપ્લિકેશન દ્વારા સંપર્કમાં આવેલા શખ્સોએ યુવકને મળવાના બહાને બોલાવી રૂ. 45,000 લૂંટી લીધા હતા. જોકે, વરાછા પોલીસે આ મામલે તાત્કાલિક એક્શન લઈને એક સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ ભોગ બનનાર યુવક થોડા સમય પહેલાં એક ગે ડેટિંગ એપ્લિકેશન પર સક્રિય થયો હતો. આ એપ પર તેની મુલાકાત એક અજાણ્યા શખ્સ સાથે થઈ હતી. બંને વચ્ચે ચેટિંગ શરૂ થયા બાદ આરોપીએ યુવકને વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ સુરતના વરાછા વિસ્તારમાં એક ચોક્કસ સ્થળે મળવા માટે આમંત્રણ આપ્યું હતું. યુવક જેવો જ આરોપીના કહેલા સ્થળે પહોંચ્યો, ત્યાં અગાઉથી જ પ્લાન બનાવીને તૈયાર બેઠેલા શખ્સોએ તેને ઘેરી લીધો હતો.

આરોપીઓએ યુવકને ડરાવી-ધમકાવીને તેની પાસેથી જબરદસ્તીપૂર્વક કુલ રૂ. 45,000 ની રોકડ રકમ પડાવી લીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લૂંટનો ભોગ બન્યા બાદ ગભરાયેલા યુવકે આખરે હિંમત ભેગી કરીને વરાછા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને આખી આપવીતી જણાવી આરોપીઓ વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી હતી. યુવકની ફરિયાદના આધારે વરાછા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ ચકચારી લૂંટ કેસનો ભેદ ઉકેલવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ટેક્ટિકલ પ્લાનિંગનો સહારો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. આ સાથે જ પોતાના હ્યુમન સોર્સને પણ સક્રિય કર્યા હતા. મજબૂત કડીઓ મળતા જ પોલીસે વરાછા વિસ્તારમાંથી મુખ્ય આરોપી વિકાસ મકવાણા અને તેની સાથે સામેલ એક સગીર વયના કિશોરને દબોચી લીધા હતા. હાલ પોલીસે લૂંટની રકમ રિકવર કરવા અને આ ટોળકીએ અન્ય કોઈને નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

(10:36 PM IST)