તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
વિરમગામ-માલવણ હાઇવે પર વણી ગામ પાસે કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત
પેટ્રોલ પંપ પરથી પોતાની બાઇકમાં પેટ્રોલ પુરાવીને રોડ પર આવતા હતા ત્યારે હાઇવે પર કાળ બનીને ધસી આવેલી એક બેફામ કારના ચાલકે તેમની બાઇકને જોરદાર અડફેટે લીધી

અમદાવાદ જિલ્લાના વિરમગામ-માલવણ હાઇવે પર એક ગમખ્વાર અને કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે દોડતી એક કારના ચાલકે મોટરસાયકલ (બાઇક) ને જોરદાર ટક્કર મારતા એક પ્રૌઢનું ઘટના સ્થળે જ કાળજું કંપાવી દે તેવું મોત નીપજ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
ઘટનાની મળતી વિગતો અનુસાર, આ લોહિયાળ અકસ્માત વિરમગામ હાઇવે પર આવેલા વણી ગામ પાસે સર્જાયો હતો. 47 વર્ષીય સુરેશભાઈ રામાભાઈ ચૌહાણ પોતાની બાઇક લઈને હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તેઓ વણી ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપ પરથી પોતાની બાઇકમાં પેટ્રોલ પુરાવીને રોડ પર આવી રહ્યા હતા, બરાબર એ જ સમયે હાઇવે પર કાળ બનીને ધસી આવેલી એક બેફામ કારના ચાલકે તેમની બાઇકને જોરદાર અડફેટે લીધી હતી
કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે, બાઇક સવાર સુરેશભાઈ ચૌહાણ રોડ પર ફગાવી દેવાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો અને પેટ્રોલ પંપનો સ્ટાફ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓના કારણે સુરેશભાઈએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. પેટ્રોલ પુરાવીને ઘર તરફ જઈ રહેલા પ્રૌઢને અધવચ્ચે જ કાળ ભેટી જતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા વિરમગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક સુરેશભાઈ ચૌહાણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
