<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પુસ્તક વગર શરૂ થયું નવું શૈક્ષણિક સત્ર

પાઠ્યપુસ્તકોના વિતરણમાં વિલંબથી હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં; પુસ્તકો પહોંચતા હજુ એક મહિનો લાગી શકે

અમદાવાદ: રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. લાંબા ઉનાળાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શાળાઓમાં પહોંચ્યા છે, પરંતુ નવા સત્રની શરૂઆત સાથે જ શિક્ષણ વ્યવસ્થાની એક મોટી ખામી સામે આવી છે. રાજ્યની અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા ન હોવાથી ધોરણ 1થી 12 સુધીના હજારો વિદ્યાર્થીઓને પુસ્તક વગર જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી છે.
શાળાઓમાં શિક્ષણ કાર્ય નિયમિત રીતે શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ પાઠ્યપુસ્તકોના અભાવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષકો અભ્યાસક્રમ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જરૂરી શૈક્ષણિક સામગ્રીના અભાવે શિક્ષણની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા છે.

દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં પાઠ્યપુસ્તકો શાળાઓ સુધી પહોંચાડવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હોય છે. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શાળા વિકાસ સંકુલ (SVS) મારફતે સરકારી અને અનુદાનિત શાળાઓમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. જોકે આ વર્ષે સત્ર શરૂ થઈ જવા છતાં અનેક જિલ્લાઓની શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા નથી.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, મહેસાણા, આણંદ, વડોદરા સહિતના વિવિધ જિલ્લાઓમાં પણ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. તેમના જણાવ્યા મુજબ ટેકનિકલ કારણોસર પાઠ્યપુસ્તકોના વિતરણમાં વિલંબ થયો છે અને જૂનના અંત સુધીમાં પુસ્તકો પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બજારમાં પણ કેટલાક પુસ્તકોની અછત
માત્ર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જ નહીં, પરંતુ બજારમાં પણ કેટલાક ધોરણોના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી. ધોરણ 2નું ગુજરાતી, ધોરણ 3નું પર્યાવરણ અને ગણિત, ધોરણ 6નું ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ધોરણ 7નું અંગ્રેજી તથા ધોરણ 9 અને 11ના કમ્પ્યૂટર વિષયના પુસ્તકોની અછત હોવાનું જણાવવામાં આવ્યું છે.
તે ઉપરાંત ધોરણ 6થી 8 માટેના ‘ભગવદ ગીતા: સિદ્ધાંતો અને મૂલ્યો’ ભાગ-2 સહિત કેટલાક પુસ્તકો પણ વિદ્યાર્થીઓને મળ્યા નથી.
ઓનલાઈન પુસ્તકોનો વિકલ્પ, પરંતુ પડકાર યથાવત
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તમામ પુસ્તકો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે શાળા સંચાલકોનું કહેવું છે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા વર્ગના ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટની પૂરતી સુવિધા નથી. તેથી ઓનલાઈન પુસ્તકોનો વિકલ્પ તમામ વિદ્યાર્થીઓ માટે વ્યવહારુ બની શકતો નથી.
પાઠ્યપુસ્તક મંડળનું સ્પષ્ટીકરણ
પાઠ્યપુસ્તક મંડળના કાર્યકારી પ્રમુખ મનુ પાવરાએ જણાવ્યું છે કે રાજ્યની 57 સરકારી પ્રેસોમાં પુસ્તકોના છાપકામનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને બે શિફ્ટમાં પ્રિન્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર 30 જૂન સુધીમાં તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મનુ પાવરાના જણાવ્યા મુજબ કોર્ટ સંબંધિત મુદ્દાઓ અને અન્ય વહીવટી કારણોને કારણે પ્રિન્ટિંગ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. જોકે ધોરણ 1થી 8ના ગુજરાતી માધ્યમના પુસ્તકોનું પ્રિન્ટિંગ મોટા ભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે અને વિતરણ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા
નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ જ દિવસથી પાઠ્યપુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. શિક્ષણવિદોના મતે, સત્રના આરંભિક દિવસોમાં જ અભ્યાસક્રમની પાયાની સમજ વિકસતી હોય છે, ત્યારે પાઠ્યપુસ્તકોની અછત શિક્ષણની ગુણવત્તા પર અસર કરી શકે છે.
હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોની નજર પાઠ્યપુસ્તક મંડળ પર ટકેલી છે કે જૂનના અંત સુધીમાં તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચે અને અભ્યાસક્રમ નિયમિત રીતે આગળ વધી શકે

(12:59 PM IST)