News of Tuesday, 9th June 2026
નવસારી સાયબર ક્રાઇમનો મોટો ખુલાસો : 91.54 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ લખવિન્દર પાજીના 4 આધાર-પાન કાર્ડ ઝડપાયા
43 બેંક ખાતા અને 110 ફરિયાદોનો કનેક્શન: ટેલીગ્રામ મારફતે ચાલતું હતું નેટવર્ક: સમગ્ર દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્કના વધુ મોટા ખુલાસા થવાની શક્યતા

નવસારી સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યના સૌથી મોટા સાયબર ફ્રોડ નેટવર્કમાંથી એકનો પર્દાફાશ કરતાં બે આરોપીઓની ધરપકડ કરી છે. એરૂ નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા લખવિન્દર પાજી અને આદિત્ય ઉર્ફે અક્ષય પટેલ સાયબર ઠગાઈના કરોડો રૂપિયાના નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી વિદેશ મોકલતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દેશભરમાં થયેલી સાયબર છેતરપિંડીની રકમ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા. ત્યારબાદ આ નાણાંને USDT (સ્ટેબલકોઈન) ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ સ્થિત ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
સાયબર પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 43 જેટલા બેંક ખાતાઓ સામે દેશભરમાં કુલ 110 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. NCCRP પોર્ટલ પર થયેલી તપાસમાં આ નેટવર્ક દ્વારા આશરે ₹91.54 કરોડની સાયબર છેતરપિંડી સાથે સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
મુખ્ય આરોપી લખવિન્દર પાજી અને આદિત્ય ઉર્ફે અક્ષય પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
માસ્ટરમાઇન્ડ પાસે અલગ-અલગ નામે 4 આધાર અને પાન કાર્ડ
જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મુખ્ય આરોપી લખવિન્દર પાજી પાસેથી અલગ-અલગ નામે બનાવાયેલા ચાર આધાર કાર્ડ, ચાર પાન કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજોનો ઉપયોગ બેંક ખાતા ખોલવા અને નાણાકીય વ્યવહારોમાં કરવામાં આવતો હોવાની શંકા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સુરતના સાયબર ગુનેગારો અને હેકર્સ સાથે ટેલીગ્રામ એપ્લિકેશન મારફતે સંપર્કમાં હતા. તેઓ "મ્યુલ એકાઉન્ટ" માટે લોકોના બેંક ખાતાઓ ભાડે લેતા અથવા લાલચ આપીને તેનો ઉપયોગ કરતા હતા.
કરન્ટ એકાઉન્ટ માટે અંદાજે 1 થી 2 ટકા કમિશન આપવામાં આવતું હતું. એક કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન બદલ લગભગ ₹2 લાખ સુધીનું કમિશન ચૂકવાતું હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે સેવિંગ એકાઉન્ટ માટે ₹10 હજારથી ₹20 હજાર સુધીની ફિક્સ રકમ આપવામાં આવતી હતી.
સાયબર કાયદા નિષ્ણાત ચિરાગ લાડના જણાવ્યા મુજબ, સાયબર ઠગાઈની રકમ વિદેશ પહોંચાડવા માટે USDT ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ હવાલાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ઠગબાજો લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવતા.
રકમ સીધી વિદેશ મોકલવાને બદલે ભાડે મેળવેલા ડમી બેંક ખાતાઓમાં જમા કરાતી.
P2P ટ્રેડિંગ મારફતે આ રકમથી USDT ક્રિપ્ટોકરન્સી ખરીદવામાં આવતી.
ત્યારબાદ આ USDT ગણતરીની સેકન્ડોમાં વિદેશ સ્થિત મુખ્ય સૂત્રધારોના ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતી.
સાયબર પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન અન્ય સાગરિતો, બેંક ખાતાધારકો, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને વિદેશી કનેક્શન અંગે પૂછપરછ શરૂ કરી છે. તપાસ આગળ વધતાં સમગ્ર દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્કના વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
