<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

બનાસકાંઠા એસીબીની મોટી કાર્યવાહી : ધરપડા ગામના તળાવમાંથી માટી ખોદકામની મંજૂરીના બદલામાં ૧,૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીને પીઆઈ બી.જે.જોષીની ટીમે રંગેહાથ ઝડપ્યા : જુઓ વિડિયો

જૂના ડીસાની ઢુવા ચોકડી જાહેર રોડ પર ગોઠવાયેલા છટકામાં લાંચની પૂરેપૂરી રકમ રિકવર : મદદનિશ નિયામક કે. એચ. ગોહિલ અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જાગૃત નાગરિકની ફરિયાદ પરથી સફળ ટ્રેપ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક મોટી અને સફળ ટ્રેપનું આયોજન કરીને લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીને ૧,૧૦,૦૦૦ રૂપિયાની મસમોટી ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે આબાદ રીતે ઝડપી લીધા છે.

 

માટી ખોદકામના ઠરાવ અને મંજૂરી માટે મંગાઈ હતી લાંચ:

આ ચકચારી કેસની ટૂંકી વિગત એવી છે કે, આ કામના ફરિયાદી જેઓ એક જાગૃત નાગરિક છે, તેમને ધરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી પોતાના અંગત ઉપયોગ માટે માટીની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે તેઓએ માટી ઉપાડવા સારું ધરપડા ગ્રામ પંચાયતનો વિધિવત સંપર્ક કર્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગને માટી ઉપાડવા અંગેની મંજૂરી આપવા માટે એક ઠરાવ કરીને અરજી પણ કરવામાં આવી હતી. જોકે, આ કામગીરીના બદલામાં ધરપડા ગામના સરપંચના પતિ એવા આરોપી વધુજી સુરાજી સોલંકીએ ફરિયાદી પાસે ધરપડા ગામના તળાવમાંથી માટીનું ખોદકામ કરવા દેવાના અવેજ પેટે ૧,૧૦,૦૦૦ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

 

જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો અને છટકું ગોઠવાયું:

ફરિયાદી જાગૃત નાગરિક હોવાથી તેઓ ભ્રષ્ટાચારના આ ગેરકાયદેસર નાણાં આપવા બિલકુલ માંગતા નહોતા. જેથી તેમણે આ બાબતે તાત્કાલિક બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સરપંચના પતિ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ઢુવા ચોકડી પર લાંચ સ્વીકારતા જ આરોપી દબોચાયો:

નક્કી થયા મુજબ, તારીખ ૦૯/૦૬/૨૦૨૬ના રોજ જૂના ડીસા ખાતે આવેલા ઢુવા ચોકડી જાહેર રોડ ઉપર લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આ કામના આક્ષેપિત આરોપી વધુજી સુરાજી સોલંકીએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચના ૧,૧૦,૦૦૦ રૂપિયા સ્વીકાર્યા હતા. આરોપીએ લાંચની રકમ હાથમાં લેતાની સાથે જ પહેલેથી જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ પકડી પાડી ગુનો નોંધ્યો હતો. એસીબી દ્વારા લાંચની સ્વીકારેલી ૧,૧૦,૦૦૦ રૂપિયાની પૂરેપૂરી રકમ સ્થળ પરથી જ રિકવર કરી લેવામાં આવી છે.

 

ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સફળ ઓપરેશન:

આ સમગ્ર સફળ ટ્રેપિંગ ઓપરેશન બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે.જોષી અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ આખી કાર્યવાહીનું સીધું સુપરવિઝન ભુજ એસીબી બોર્ડર એકમના મદદનિશ નિયામક કે. એચ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ એસીબી રાજકોટ એકમના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કડક કાર્યવાહી કરીને ભ્રષ્ટાચારી આરોપી સામે કાયદાનો સિંકજો કસવામાં આવ્યો છે. એસીબીએ આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(5:31 PM IST)