તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં મિત્રતા અને વિશ્વાસને શરમજનક બનાવતી ચોંકાવનારી ઘટના : નાણાકીય વિવાદમાં મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
બંસરી ટેક્સટાઇલ પાર્કમાં રૂપિયાની લેવડદેવડમાં બોલાચાલી ઉગ્ર બનતા સુબાલા ગૌડાએ જીતેન્દ્ર પઢીયાર પર હુમલો કર્યો; ઘટનાસ્થળે જ મોત, આરોપી ફરાર, પાલોદ પોલીસે તપાસ શરૂ કરી

સુરત, તા. 9 : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં મિત્રતા અને વિશ્વાસને શરમજનક બનાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાણાકીય લેવડદેવડના વિવાદમાં એક યુવકે પોતાના જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરી છે. ઘટનાએ સમગ્ર પીપોદરા અને આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે.
મળતી માહિતી મુજબ, પીપોદરા સ્થિત બંસરી ટેક્સટાઇલ પાર્કના રામકૃષ્ણ કોમ્પ્લેક્ષમાં જીતેન્દ્ર ઉર્ફે રાજુભાઈ જોગરાજ પઢીયાર પોતાના મિત્ર સુબાલા મુરલી ગૌડા સાથે હાજર હતા. દરમિયાન બંને વચ્ચે રૂપિયા સંબંધિત લેવડદેવડના મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર તરીકે શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો.
આક્ષેપ મુજબ, આવેશમાં આવેલા સુબાલા મુરલી ગૌડાએ પોતાના પાસે રહેલા ચપ્પુ વડે જીતેન્દ્ર પર હુમલો કર્યો હતો. આરોપીએ ગળા અને પીઠના ભાગે એક પછી એક ઘાતક ઘા ઝીંકતા જીતેન્દ્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા જીતેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
હત્યાની ઘટના બાદ આરોપી સુબાલા ગૌડા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પાલોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે અન્ય એક અજાણ્યો શખ્સ પણ હાજર હોવાનું સામે આવતાં તેની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ બનાવનું કરુણ પાસું એ છે કે મૃતક અને આરોપી વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંનેની એક તસવીર પણ સામે આવી છે, જેમાં આરોપી મૃતકના ખભા પર હાથ રાખી મિત્રતાનો ભાવ વ્યક્ત કરતો જોવા મળે છે. પરંતુ પૈસાની લેતી દેતીના વિવાદે એવી સ્થિતિ સર્જી કે એ જ મિત્રએ પોતાના દોસ્તનું જીવન છીનવી લીધું.
પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કાર્યરત કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને આઘાતનો માહોલ જોવા મળી રહ્યો છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
