News of Tuesday, 9th June 2026
વડોદરામાં જળસંકટ :આજવા સરોવરનું જળસ્તર ચિંતાજનક સ્તરે નીચે :હવે નર્મદાના નીર પર નિર્ભર
ઉનાળાના આકરા તડકા અને પાણીની દૈનિક માંગમાં થયેલા વધારાને પગલે સરોવરનું લેવલ ડેડ સ્ટોરેજની નજીક પહોંચી ગયું

વડોદરા: શહેરની જીવાદોરી ગણાતું ઐતિહાસિક આજવા સરોવર, જે છે, તે હવે ખાલી થવાને આરે છે. છેલ્લા કેટલાક સમયથી અપૂરતા વરસાદ અને વધતા વપરાશને કારણે આજવા સરોવરનું જળસ્તર ચિંતાજનક રીતે નીચે ગયું છે. પરિણામે, વડોદરા મહાનગર પાલિકાએ શહેરને પાણી પુરવઠો ચાલુ રાખવા માટે હવે નર્મદા નદી પર નિર્ભર રહેવાનો અનિવાર્ય નિર્ણય લીધો છે.
વડોદરા શહેરના વિશાળ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પાણીનો જથ્થો લગભગ ખતમ થઈ ગયો છે. ઉનાળાના આકરા તડકા અને પાણીની દૈનિક માંગમાં થયેલા વધારાને પગલે સરોવરનું લેવલ ડેડ સ્ટોરેજની નજીક પહોંચી ગયું છે. આ સ્થિતિને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નર્મદાના પાણી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, વડોદરા મહાનગર પાલિકા આગામી એક મહિના માટે નર્મદા નિગમ પાસેથી વધારાનું 30 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) પાણી ખરીદશે. આ પાણીનો જથ્થો શહેરના એવા વિસ્તારોમાં વિતરિત કરવામાં આવશે જ્યાં આજવા સરોવરનું પાણી પહોંચાડવામાં આવતું હતું, જેથી નાગરિકોને પાણીની અછતનો સામનો ન કરવો પડે.
પાણીની ગંભીર સમસ્યાને લઈને યોજાયેલી રિવ્યૂ બેઠકમાં કમિશનરે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, શહેરમાં ક્યાંય પણ પાણીનો બગાડ થતો હોય તો તાત્કાલિક અટકાવવો. લીકેજની સમસ્યાનું નિવારણ યુદ્ધના ધોરણે કરવું. નર્મદાનું પાણી શહેરના છેવાડાના વિસ્તારો સુધી સમાન રીતે પહોંચે તેનું સતત મોનિટરિંગ કરવું.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
