<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ડીસામાં એસીબીનો સપાટો :મહિલા સરપંચના પતિ વધુજી સોલંકી 1.10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

તળાવમાંથી માટી ઉપાડવા અને ખોદકામની મંજૂરી આપવાના બહાને એક લાખથી વધુ રકમની લાંચ માંગી હતી

બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં આવેલ એક સ્થાનિક તળાવમાંથી માટી ખોદવા અને તેને ઉપાડવા માટે સંબંધિત કામગીરી ચાલી રહી હતી આ કામગીરી નિર્વિઘ્ને ચાલવા દેવા અને વહીવટી અડચણ ઊભી ન કરવા માટે સ્થાનિક ગ્રામ પંચાયતના જવાબદારો દ્વારા મસમોટી રકમની માંગણી કરવામાં આવી હતી. માટી ખોદવાના આ કામના બદલામાં સરપંચ વતી વહીવટ કરતા તેમના પતિ વધુજી સોલંકીએ રૂપિયા 1,10,000ની લાંચની માંગણી કરી હતી. અરજદાર આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે તાત્કાલિક લાંચરૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACBની ટીમે ડીસા ખાતે વોચ ગોઠવીને એક મજબૂત છટકું તૈયાર કર્યું હતું. જે વ્યુહરચના મુજબ, જ્યારે ફરિયાદી પાસેથી આરોપી વધુજી સોલંકી 1.10 લાખની રોકડા લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, બરાબર એ જ સમયે છુપાઈને બેઠેલી ACBની ટીમે ત્રાટકીને આરોપીને રંગેહાથ ઝડપી લીધા હતા.

ACB દ્વારા 1.10 લાખની લાંચની રકમ રિકવર કરી ગુનાના મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવી છે. લાંચ સ્વીકારતા ઝડપાયેલા આરોપી વધુજી સોલંકીની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ  હેઠળ ગુનો નોંધીને એસીબીની ટીમે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણ અને ગ્રામીણ વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે.

(9:47 PM IST)