News of Tuesday, 9th June 2026
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે સક્રિય: દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા
હાલમાં ચોમાસું આગળ વધવા માટે એકદમ અનુકૂળ અને સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ: નિયત સમય પર આખા ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે અને લોકોને કાળઝાળ ગરમીના દિવસોમાંથી કાયમી રાહત મળશે.

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીની વચ્ચે જ વરસાદી માહોલ જામવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ અમદાવાદ અને પાટનગર ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને અસહ્ય બફારામાંથી થોડી મુક્તિ મળવાની આશા બંધાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે. આ અંતર્ગત તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, આગામી 13 June થી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેવાની ધારણા છે, જેથી માછીમારોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના મતે, આગામી 11 જૂન થી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. આ બદલાતા વૈશ્વિક પ્રવાહોને કારણે ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે. રાહતની વાત એ છે કે, હાલમાં ચોમાસું આગળ વધવા માટે એકદમ અનુકૂળ અને સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. જો પવન અને ભેજનું પ્રમાણ આવું જ જળવાઈ રહેશે તો નિયત સમય પર આખા ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે અને લોકોને કાળઝાળ ગરમીના દિવસોમાંથી કાયમી રાહત મળશે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
