<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન : નવસારી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અથવા ચોમાસાના આગમનને પગલે વરસાદ પડી શકે

સમગ્ર રાજ્યમાં જ્યારે અસહ્ય ગરમી અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજે નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને નવસારીના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી છાંટા પડતાં જ સ્થાનિક લોકોએ ભારે ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે.

હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અથવા ચોમાસાના આગમનને પગલે વરસાદ પડી શકે છે. વલસાડ અને નવસારી સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની ખાસ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જે આજે સાચી સાબિત થઈ છે.

 છેલ્લા કેટલાક દિવસોથી નવસારી અને આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો રહેવાની સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી લોકો અસહ્ય બફારાથી પરેશાન હતા. જોકે, આજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં વરસાદી માહોલ જામ્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં શરૂ થયેલા વરસાદના પગલે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમીથી અકળાયેલા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રોમાં આ વરસાદી એન્ટ્રીથી ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:12 PM IST)