<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

સુરતમાં કથિત નકલી ડિમોલિશન મામલે કમિશનર એક્શન મોડમાં : 6 સભ્યોની હાઈપાવર તપાસ કમિટીની રચના કરી

સમિતિમાં 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ સીટી ઇજનેર અને 3 ઇજનેરોનો સમાવેશ:સમિતિ સંપૂર્ણ અહેવાલ કમિશનરને સોંપશે જેના આધારે કસૂરવારો સામે કડક પગલાં લેવાશે.

સુરત શહેરમાંથી ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા કથિત નકલી ડિમોલિશનના પ્રકરણ બાદ  તંત્ર સફાળું જાગ્યું છે. આ ગંભીર મામલાની નોંધ લઈને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવાનો સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર કચેરી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, આ સમગ્ર કથિત નકલી ડિમોલિશન કૌભાંડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવા માટે 6 સભ્યોની હાઈપાવર તપાસ કમિટી મેદાનમાં ઉતારવામાં આવી છે. આ હાઈપાવર કમિટીના માળખા પર નજર કરીએ તો, તેમાં પાલિકાના 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ તપાસનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત, ટેકનિકલ અને ગ્રાઉન્ડ લેવલની ઝીણવટભરી તપાસ માટે એક એડિશનલ સીટી ઇજનેર અને અન્ય 3 ઇજનેરોને આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

 

 

આ 6 સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ ઘટનાસ્થળની મુલાકાત, સંબંધિત ફાઈલોની ચકાસણી અને શંકાસ્પદ અધિકારીઓ તેમજ કર્મચારીઓની પૂછપરછ કરીને પોતાનો વિગતવાર અને સંપૂર્ણ અહેવાલ સીધો મ્યુનિસિપલ કમિશનરને સોંપશે. કમિશનર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે, આ તપાસ સમિતિના અહેવાલના આધારે જે કોઈ પણ અધિકારી, કર્મચારી કે વચેટીયા દોષિત સાબિત થશે, તે તમામ કસૂરવારો સામે કાયદાકીય અને ખાતાકીય કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિમોલિશનના નામે આચરવામાં આવેલી આ ગેરરીતિ પાછળ કોઈ મોટું નેક્સસ કામ કરી રહ્યું હોવાની આશંકા છે. જો કે, મીડિયાના હસ્તક્ષેપ અને કમિશનરની ત્વરિત કાર્યવાહીના કારણે પાલિકા આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(11:20 PM IST)