તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
અમદાવાદ ના ખાડિયામાં આજીવન કેદનો ગુનેગાર મોન્ટુ નામદાર જેલની બહાર આવતા જ જાહેર રોડ પર ટ્રાફિક જામ કરાવી ફટાકડા ફોડ્યા
પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં કાલુપુર અને ખાડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરંતુ પોલીસ આવે તે પહેલાં જ હત્યારો ફરાર થઈ ગયો

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષો પહેલાં ચકચારી બનેલા ભાજપ કાર્યકર્તા રાકેશ મહેતા હત્યા કેસના મુખ્ય ગુનેગાર મોન્ટુ નામદારની એક શરમજનક કરતૂત સામે આવી છે. આજીવન કેદની સજા કાપી રહેલો આ રીઢો ગુનેગાર જેલમાંથી માત્ર 2 સપ્તાહની ફર્લો પર મુક્ત થયો હતો. જેલના સળિયા પાછળથી બહાર આવતા જ તેનામાં કાયદાનો કોઈ ડર દેખાયો નહોતો અને તે સીધો પોતાના વિસ્તાર ખાડિયા ખાતે પહોંચ્યો હતો.
ખાડિયા પહોંચતાની સાથે જ મોન્ટુ નામદારે કાયદો હાથમાં લઈને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના સ્વાગતમાં જાહેર રોડ પર ટ્રાફિક જામ કરાવી દેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ફટાકડા ફોડીને ભારે આતશબાજી કરવામાં આવી હતી. આ દાદાગીરીના પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એક હત્યારાની આ પ્રકારની ખુલ્લેઆમ ન્યુસન્સ ફેલાવવાની હરકતથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
મળતી વિગતો અનુસાર, પેરોલ પર બહાર આવેલા મુખ્ય આરોપી મોન્ટુ નામદારે પોતાના જૂના ગુનાની અદાવત રાખીને કોર્ટ કેસના મુખ્ય સાક્ષીને ટાર્ગેટ બનાવ્યો હતો. મોન્ટુ નામદાર પોતાના બે સાગરીતો સાથે ધસી ગયો હતો અને સાક્ષીની ઓફિસ ની બિલકુલ બહાર ઊભા રહીને તેને જાહેરમાં જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે સાક્ષીની સાથે-સાથે તેના નિર્દોષ પરિવાર ને પણ જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી, જેના કારણે ભયભીત બનેલા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
જાહેર રોડ પર આ પ્રકારે આતશબાજી અને દાદાગીરી થતી હોવાની માહિતી કોઈ જાગૃત નાગરિકે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ માં આપી હતી. કંટ્રોલ રૂમમાં કોલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સ્થાનિક કાલુપુર પોલીસ તેમજ ખાડિયા પોલીસ નો મોટો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે, પોલીસની ટીમ ત્યાં પહોંચે તે પહેલાં જ સાબદો થયેલો હત્યારો મોન્ટુ નામદાર અને તેના સાગરીતો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
