<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

અમદાવાદના જેતલપુરના ઐતિહાસિક 'દેવ સરોવર' તળાવનું નસીબ હવે પલટાશે: ઔડાનો 8.50 કરોડના માતબર ખર્ચે વિશાળ પ્રોજેક્ટ

આધુનિક સુવિધાઓ અને હરિયાળીથી સજ્જ આ તળાવ આગામી દિવસોમાં શહેરના પરા વિસ્તારોમાં એક શ્રેષ્ઠ પિકનિક ડેસ્ટિનેશન બની રહેશે.

અમદાવાદના જેતલપુર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક 'દેવ સરોવર' તળાવનું નસીબ હવે પલટાવા જઈ રહ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા આ તળાવના બ્યુટીફિકેશન માટે રૂ. 8.50 કરોડના માતબર ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓ અને હરિયાળીથી સજ્જ આ તળાવ આગામી દિવસોમાં શહેરના પરા વિસ્તારોમાં એક શ્રેષ્ઠ પિકનિક ડેસ્ટિનેશન બની રહેશે.

ઔડાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં છે. જેતલપુર ખાતે આશરે 1,89,394 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ તળાવના વિકાસની કામગીરી જૂન-2026ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. કામગીરી પૂર્ણ થતાં જ આ વિસ્તારના રહેવાસીઓને કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવા માટે એક નવું પિકનિક સ્પોટ મળી રહેશે.

 

આ તળાવને માત્ર એક જળાશય તરીકે નહીં, પરંતુ એક આધુનિક રિક્રિએશન ઝોન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક રહીશો અને મુલાકાતીઓ માટે આ તળાવ ખાતે વિવિધ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મુલાકાતીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં-

ફિટનેસ ઝોન: સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે તળાવની ફરતે આકર્ષક વોક-વે અને જોગિંગ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

બાળકો માટે પ્લે એરિયા: પરિવાર સાથે આવતા મુલાકાતીઓ અને બાળકો માટે આધુનિક રમત-ગમતના સાધનોથી સજ્જ ચિલ્ડ્રન પ્લે એરિયા તૈયાર કરવામાં આવ્યો છે.

 ગ્રીનરી અને પાર્કિંગ: મુલાકાતીઓના વાહનો માટે વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા અને સ્વચ્છતા માટે આધુનિક ટોઇલેટ બ્લોક્સ બનાવવામાં આવ્યા છે.

આરામદાયક બેઠક વ્યવસ્થા: મુલાકાતીઓ શાંતિથી સમય પસાર કરી શકે તે માટે સરોવર પરિસરમાં બે આકર્ષક 'ગઝેબો' બનાવવામાં આવ્યા છે.

પર્યાવરણલક્ષી અભિગમ: સમગ્ર તળાવ પરિસરને 'ગ્રીન ઝોન'માં પરિવર્તિત કરવા માટે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વોક-વેની આસપાસ સુશોભિત છોડ અને કમ્પાઉન્ડ વોલ પાસે ઘટાદાર વૃક્ષો વાવીને પર્યાવરણને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરાયો છે. AUDAનો આ પ્રયાસ શહેરી વિસ્તારમાં પર્યાવરણના સંવર્ધન માટે એક મહત્વનું કદમ છે.

જેતલપુરના આ ઐતિહાસિક સરોવરનો કાયાપલટ થવાથી માત્ર સ્થાનિક પ્રવાસનને વેગ મળશે એટલું જ નહીં, પરંતુ આસપાસના રહેવાસીઓના જીવનધોરણમાં પણ ગુણાત્મક સુધારો આવશે. ટૂંકમાં અમદાવાદના વિકાસના નકશામાં જેતલપુર હવે એક નવા પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

(12:51 AM IST)